Wednesday, June 18, 2025
More

    શર્મિષ્ઠા પાનોલી કેસના ફરિયાદી વઝાહત ખાનને ન મળ્યા જામીન, હિંદુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી મામલે થઈ છે ધરપકડ

    હિંદુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરીને સનાતની સમુદાયની ધાર્મિક લાગણી દુભાવવા બદલ પકડાયેલા વઝાહત ખાનને (Wajahat Khan) જામીન આપવાનો કોલકાતાની કોર્ટે ઇનકાર કર્યો છે. આ વઝાહત ખાન એ જ ઇસમ છે, જેણે ભૂતકાળમાં ઈન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પાનોલી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પછીથી કોલકાતા પોલીસે FIR દાખલ કરીને શર્મિષ્ઠાની ધરપકડ કરી લીધી હતી. 

    વઝાહતના જામીન નામંજૂર કરીને કોર્ટે તેને 16 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. બીજી તરફ હરિયાણામાં નોંધાયેલા એક કેસ મામલે હરિયાણા પોલીસે વૉરન્ટ રજૂ કર્યું હતું, પરંતુ તેમને કસ્ટડી આપવામાં ન આવી. કોર્ટમાં આસામ પોલીસ પણ હાજર હતી, પરંતુ કોઈ વૉરન્ટ કે દસ્તાવેજ રજૂ કર્યા ન હતા. 

    શર્મિષ્ઠાની ધરપકડ બાદ વઝાહત ખાને ભૂતકાળમાં સોશિયલ મીડિયા પર હિંદુ દેવી-દેવતાઓ પર કરેલી ટિપ્પણીઓના સ્ક્રીનશૉટ વાયરલ થયા અને ત્યારબાદ આસામ અને અન્ય અમુક ઠેકાણે તેની વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓ ભડકાવવા મામલે FIR દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ કોલકાતામાં પણ FIR થઈ હતી. આખરે સોમવારે (9 જૂન) વઝાહતની ધરપકડ કરી લેવામાં આવી. 

    તેની વિરુદ્ધ કોલકાતાના ગોલ્ફ ગ્રીન પોલીસ મથકે FIR દાખલ કરવામાં આવી છે, જેમાં સોશિયલ મીડિયા પર ઘૃણા ફેલાવવાનો અને ધાર્મિક લાગણીઓ ભડકાવવાનો આરોપ છે. FIR બાદ પોલીસે તેને હાજર થવા નોટિસ ફટકારી હતી, પરંતુ તે હાજર થયો ન હતો. 

    વઝાહત ખાન વિરુદ્ધ આસામમાં પણ મા કામાખ્યા પર આપત્તિજનક અને અભદ્ર ટિપ્પણી કરવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સ્વયં કેસ પર ધ્યાન આપી રહ્યા છે, જેમણે ધરપકડનું પણ આશ્વાસન આપ્યું હતું.