પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતાની RG કર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર સાથે પહેલાં રેપ અને ત્યારબાદ હત્યાની ઘૃણાસ્પદ ઘટનામાં પ્રદર્શનો કરતા જુનિયર ડોક્ટરોએ હવે આમરણ અનશન શરૂ કર્યું છે.
આ ઉપવાસ શુક્રવારે (5 ઑક્ટોબર) શરૂ થયા હતા. જુનિયર ડોક્ટરોનું કહેવું છે કે મમતા બેનર્જી સરકારે હજુ તેમની અમુક માંગ માની નથી, જેથી હવે આ અંતિમ માર્ગ છે.
આ પહેલાં 4 ઑક્ટોબરના રોજ ડોક્ટરો કોલકાતાના ધર્મતાલામાં ધરણાં પર બેઠા હતા અને સરકારને તેમની માંગ પૂર્ણ કરવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો. પરંતુ તેમ છતાં કોઈ સંતોષકારક જવાબ ન મળતાં આમરણ ઉપવાસ ચાલુ કરવામાં આવ્યા.
ડોક્ટરોએ કહ્યું કે, “ડેડલાઇન ચૂકી ગઈ છે, એટલે જ્યાં સુધી માંગ સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી અમે ઉપવાસ શરૂ કરી રહ્યા છીએ. પારદર્શિતા જળવાય રહે તે માટે જ્યાં ઉપવાસ ચાલી રહ્યા છે તે ડાયસ પર CCTV પણ લગાવ્યા છે.”
ડોક્ટરોએ કહ્યું કે, તેઓ ફરજ પર પરત ફર્યા છે, પરંતુ ઉપવાસ ચાલુ રાખશે. જો આ દરમિયાન કોઈ તબીબને કશુંક થાય તો તે માટે જવાબદાર રાજ્ય સરકાર રહેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.