તાજેતરમાં જ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ બાદ યોજાયેલા એક કાર્યક્રમમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુ નજરે પડતાં ભારતે વાંધો ઉઠાવ્યો છે. પન્નુએ પોતે તેની કાર્યક્રમમાં હાજરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. તેનો આ વિડીયો વાયરલ થતાંની સાથે જ વિવાદ સર્જાયો. દરમ્યાન 24 જાન્યુઆરીએ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે ભારતવિરોધી મામલા અમેરિકા સમક્ષ ઉઠાવવામાં આવશે.
ટ્રમ્પના કાર્યક્રમમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુની હાજરી પર બોલતાં જયસ્વાલે શુક્રવારે (24 જાન્યુઆરી, 2025) કહ્યું હતું કે, “જે પણ દેશવિરોધી તત્વો છે, તેમને લઈને ભારતે હંમેશા અમેરિકા સામે સવાલો ઉઠાવ્યા છે.” હાલ આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તે રૂપિયા ખર્ચીને ટિકિટ લઈને સમારોહમાં પહોંચ્યો હતો. વિડીયોમાં તે ખાલિસ્તાન સમર્થનમાં નારા લગાવતો જોવા મળી રહ્યો છે.
🚨Khalistani terrorist Pannun AWKWARDLY MURMURS extremist slogans at 🇺🇸Trump's inauguration pic.twitter.com/sTcCfhkKY2
— Sputnik India (@Sputnik_India) January 21, 2025
મીડિયાને સંબોધતા જયસ્વાલે જણાવ્યું હતું કે, “અમે ગેરકાયદેસર ઈમિગ્રેશનના વિરોધમાં છીએ. જો કોઈ પણ ભારતીય અમેરિકા નહીં, વિશ્વના કોઈ પણ દેશમાં ગેરકાયદેસર દસ્તાવેજોથી ઘૂસ્યા છે, તેમને પરત બોલાવવા અમે હંમેશા તૈયાર છીએ. ગેરકાયદેસર ઈમિગ્રેશન વાસ્તવમાં સંગઠિત અપરાધ જેવું જ હોય છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ સારા છે અને બંને દેશોની એક જ ઈચ્છા છે કે આ સંબંધ વધુ મજબૂત થાય.”
નોંધનીય છે કે, ગત 20 તારીખે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ સમારોહ યોજાયો હતો. તેની સાથે અમુક બીજી પણ ઇવેન્ટ યોજાઈ હતી. તેમાંથી જ એક કાર્યક્રમમાં આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુ દર્શકો વચ્ચે ફરતો જોવા મળ્યો. તેણે પોતે જ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા. આ વિડીયોમાં તેણે ખાલિસ્તાનના સમર્થનમાં નારા પણ લગાવ્યા હતા.