Thursday, March 6, 2025
More

    લંડનમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય વિદેશમંત્રીની કાર પર કર્યો હુમલો: ઘેરીને એસ. જયશંકર સામે ભારતીય રાષ્ટ્રધ્વજનું કર્યું અપમાન

    ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar) હાલમાં બ્રિટનની મુલાકાતે છે. તેમના પર 6 માર્ચની વહેલી સવારે લંડનમાં (London) ખાલિસ્તાની સમર્થકોએ (Khalistani Supporters) હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ જયશંકરની કાર તરફ દોડતો અને ભારતીય રાષ્ટ્રધ્વજ ફાડતો જોવા મળે છે.

    જયશંકર ચૈથમ હાઉસ થિંક ટેન્કમાં એક કાર્યક્રમ બાદ તેમની કારમાં જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ ઘટનાનો જે વિડીયો સામે આવ્યો હતો તેમાં જોઈ શકાય છે કે ઘટના સ્થળે પહેલેથી વિરોધ કરી રહેલ ખાલિસ્તાન સમર્થકોએ જયશંકરને જોઈને સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું હતું.

    ત્યારપછી એક વ્યક્તિ ત્રિરંગો લઈને તેમની કાર સામે રસ્તો રોકીને ઉભો રહી ગયો અને ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું. જોકે, લંડન પોલીસે આ માણસને કાબૂમાં લઈને જયશંકરને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

    નોંધનીય છે કે ભારતીય સમુદાયમાં આ ઘટનાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભારતીયોએ લંડનમાં પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકો બ્રિટિશ સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. અહેવાલ અનુસાર, ભારત સરકારે આ ઘટના યુકે સમક્ષ ઉઠાવી છે અને પોતાનો વિરોધ પણ નોંધાવ્યો છે.