કેરળના (Kerala) એક ઈસમ મુજીબ રહેમાને (Mujeeb Rahman) નેવલ હેડ ક્વાર્ટર (Navy HQ) પર ફોન કરીને INS વિક્રાંતના (INS Vikrant) લોકેશનની (Location) વિશેની સંવેદનશીલ માહિતી માંગી લીધી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તેની અટકાયત કરવામાં આવી છે. તેના પર INS વિક્રાંતની સંવેદનશીલ માહિતી માંગવાનો આરોપ છે. જોકે, તેની ધરપકડ નથી કરાઈ અને કોઈ ગુનો પણ નથી નોંધાયો. હાલ તેની અટકાયત કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.
કોચી નેવલ હેડક્વાર્ટર પર કૉલ કરીને કોઝિકોડના મુજીબ રહેમાને PMOમાંથી વાત કરતો હોવાનો દાવો કર્યો હતો અને INS વિક્રાંત હાલ ક્યાં છે તેવો સંવેદનશીલ સવાલ પૂછ્યો હતો. તેણે પોતાનો પરિચય રાઘવન તરીકે આપ્યો હતો. નેવી અધિકારીઓએ વધુ માહિતી માંગી તો તેણે એક ફોન નંબર આપ્યો અને કૉલ કટ કરી દીધો હતો.
ત્યારબાદ નેવી બેઝ અધિકારીઓ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદના આધારે કોચી હાર્બર પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ બાદ જાણવા મળ્યું હતું કે, ‘રાઘવન’ નામ આપીને ‘PMOમાંથી’ વાત કરતો શખ્સ મુજીબ રહેમાન છે. તપાસ બાદ આરોપીની અટકાયત કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.