Sunday, April 20, 2025
More

    ‘જો બંધારણીય સુધારા પણ કોર્ટે જ કરવાના હોય તો વિધાનસભા અને સંસદ શા માટે છે?’: રાષ્ટ્રપતિ માટે સમયમર્યાદા નક્કી કરતા સુપ્રીમ ચુકાદા પર બોલ્યા કેરળના રાજ્યપાલ 

    રાષ્ટ્રપતિ માટે સમયમર્યાદા નક્કી કરતા સુપ્રીમ કોર્ટના ચુકાદાની ચર્ચા ચાલી રહી છે ત્યારે કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે એક ઇન્ટરવ્યુમાં અમુક અગત્યની ટિપ્પણીઓ કરી છે. 

    ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, જો આવી બાબતો પણ કોર્ટે જ નક્કી કરવાની હોય તો પછી સંસદ શા માટે છે? 

    સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને તેમણે કહ્યું કે, કોર્ટ કહે કે કોઈ વ્યક્તિ કહે કે રાજ્યપાલે આ કામ અમુક સમયમર્યાદામાં પૂર્ણ કરી જે દેવું જોઈએ, તો એ તો બંધારણમાં પણ લખવામાં આવ્યું નથી. 

    તેઓ આગળ કહે છે, “મને લાગે છે કે આ મામલાને બંધારણીય બેન્ચ પાસે મોકલવાની જરૂર હતી. તેઓ જે મામલે સુનાવણી કરી રહ્યા હતા એ બાબત બંધારણીય છે. બંધારણે ક્યાંય રાજ્યપાલ માટે સમયમર્યાદા આપી નથી. પરંતુ સુપ્રીમ કોર્ટે ટાઇમલિમિટની વાત કરી છે. તો પછી આ બંધારણીય સુધારો કહેવાય.”

    તેમણે ઉમેર્યું કે, “જો કોર્ટે જ બંધારણીય સુધારા પણ કરવાના હોય તો પછી વિધાનસભા કે સંસદની જરૂર શું છે? સુધારા કરવાનો અધિકાર સંસદને છે. તેના માટે 2/3 બહુમતી જોઈએ છે. બે જજો બેસીને બંધારણીય જોગવાઈઓ નક્કી કરશે. મને આ સમજાતું નથી. આ ન્યાયતંત્ર દ્વારા ઓવરરીચ કરવાનો પ્રયાસ છે. તેમણે આ કરવું જોઈતું ન હતું. પણ હું ખોટો પણ હોઈ શકું.”

    તેમણે ઉમેર્યું કે, સુપ્રીમ કોર્ટ સલાહ-સૂચન કરી શકે છે, પણ આ બાબત નક્કી તો આખરે સંસદે જ કરવાની રહે છે.