Saturday, February 22, 2025
More

    કાશ પટેલે ‘ભગવદ ગીતા’ પર હાથ રાખીને લીધા FBI ડાયરેક્ટર પદના શપથ: ટ્રમ્પે કહ્યું- તેઓ હમણાં સુધીના સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ સાબિત થશે

    ભારતવંશી અને ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ વ્યક્તિ ગણાતા કાશ પટેલે શનિવારે (22 ફેબ્રુઆરી) યુએસ ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના (FBI) ડિરેક્ટર તરીકે શપથ લીધા છે. આ દરમિયાન તેમણે હિંદુ ધર્મગ્રંથ ભગવદ ગીતા પર હાથ રાખીને પદની જવાબદારી સંભાળી છે. પટેલ FBIનું નેતૃત્વ કરનારા નવમા વ્યક્તિ બન્યા છે.

    શપથગ્રહણ સમારોહ વોશિંગ્ટન ડીસી સ્થિત વાઇટ હાઉસ પરિસરના આઇઝનહાવર એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડિંગમાં યોજાયો હતો. આ ઉપરાંત યુએસ એટર્જી જનરલ પામ બોન્ડીએ તેમને પદના શપથ લેવડાવ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલની નિયુક્તિને લઈને તેમની પ્રશંસા કરી હતી અને FBI એજન્ટ્સ વચ્ચેની તેમની લોકપ્રિયતાને તેનું કારણ ગણાવ્યું હતું.

    ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, “કાશ પટેલ આ પદના પરના હમણાં સુધીના સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ સાબિત થશે. તેમની નિયુક્તિ ખૂબ સરળ રહી હતી. તેઓ મજબૂત અને દ્રઢ વિચારો ધરાવે છે. ટ્રે ગૌડીએ પણ તેમની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે, લોકો કાશ પટેલની ક્ષમતાઓને સમજી નથી શકતા. નોંધનીય છે કે, કાશ (કશ્યપ) પટેલની નિમણૂકને યુએસ સેનેટ દ્વારા 51-49 મતોના માર્જિનથી મંજૂરી આપવામાં આવી હતી.