Tuesday, March 25, 2025
More

    ટ્રમ્પ સરકારના નવા FBI વડાએ પોતાના પરિવારનું ‘જય શ્રીકૃષ્ણ’ કહી કર્યું અભિવાદન: સોશિયલ મીડિયા પર કાશ પટેલના ભારતીય સંસ્કારના વખાણ

    ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ભારતીય મૂળના કાશ પટેલને ફેડરલ તપાસ એજન્સી FBIના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. 30 જાન્યુઆરીએ સેનેટની બેઠકમાં કાશ પટેલની (Kash Patel) નિમણૂકને સમર્થન આપવામાં આવ્યું હતું. આ પહેલાં, કાશ પટેલે તેમના માતાપિતાના ચરણ સ્પર્શ કર્યા તથા ‘જય શ્રીકૃષ્ણ’ (Jai Shri Krishna) કહીને તેમનું અભિવાદન કર્યું હતું.

    સોશિયલ મીડિયા પર આ બંને વિડીયો વાયરલ થઇ રહ્યા છે તથા નેટીઝન્સ તેમના ભરતીય મૂલ્યો તથા ‘સંસ્કાર’ને જાળવી રાખવા માટે પ્રશંસા કરી રહ્યા છે. આ દરમિયાન પોતાના માતા-પિતાનો પરિચય આપતા કાશ પટેલે કહ્યું, “હું આજે અહીં બેઠેલા મારા પિતા પ્રમોદ અને માતા અંજનાનું સ્વાગત કરવા માંગુ છું. તે ભારતથી અમેરિકા આવ્યા છે. મારી બહેન નિશા પણ આવી છે. જય શ્રીકૃષ્ણ.”

    કાશ પટેલના આ અભિવાદનના અમેરિકન નાગરિકો અને ભારતીય સમુદાયના લોકો પણ વખાણ કરી રહ્યા છે. તથા સોશિયલ મીડિયા પર તેમનો આ વિડીયો ઘણો ઝડપથી વાયરલ થઇ રહ્યો હતો. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું હતું કે “FBI ડિરેક્ટર તરીકે નોમિની કાશ પટેલે તેમના માતાપિતાના પગ સ્પર્શ કર્યા અને ‘જય શ્રીકૃષ્ણ’ સાથે તેમનું અભિવાદન કર્યું, જે હિંદુ સંસ્કૃતિમાં આદર અને ભક્તિનો એક સંકેત છે.”