તાજેતરમાં કર્ણાટકમાં એક ઇઝરાયેલી પ્રવાસી મહિલા અને હોમસ્ટેની માલિક સ્થાનિક મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી હતી. જે મામલે એક્શન લેતાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે બાકીના એકની શોધખોળ ચાલી રહી છે.
ઘટના ગુરુવારે (6 માર્ચ) બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાત્રે લગભગ 11:30 વાગ્યે ઇઝરાયેલી મહિલા પર્યટક અને તે જ્યાં રોકાઈ હતી એ હોમસ્ટેની માલિક તેમજ તેમની સાથે અન્ય ત્રણ યુવકો સ્ટારગેઝીંગ માટે નીકળ્યા હતા.
તેઓ હમ્પી પાસે એક તળાવ નજીક ઊભા હતા ત્યારે ત્યાં આરોપીઓ આવી પહોંચ્યા અને માથાકૂટ કરીને ત્રણ પુરુષો સાથે મારપીટ કરી હતી અને તેમને કેનાલમાં ફેંકી દીધા હતા. ત્યારબાદ મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું અને ભાગી છૂટ્યા. પછીથી એક ઓડિશાના યુવકની લાશ નહેરમાંથી મળી હતી.
આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગુનો દાખલ કરીને SIT બનાવી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાંની ધારા પણ જોડી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ હાંડી મલ્લા અને ચેતન સાઈ તરીકે થઈ છે. એક આરોપી હજુ પણ ફરાર છે, જેને શોધવા માટે પોલીસની ટીમો રવાના થઈ છે.