કર્ણાટકના (Karnataka) બેંગ્લોરની એક સ્પેશિયલ કોર્ટે કોંગ્રેસના એક ધારાસભ્ય સહિત સાત વ્યક્તિઓને ગેરકાયદેસર ખનનના કેસમાં દોષી ઠેરવ્યા છે. કોંગ્રેસ MLAની ઓળખ સતીશ સૈલ (Satish Sail) તરીકે થઈ છે. કોર્ટના આદેશ બાદ તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
કોર્ટે ગુરુવારે (24 ઑક્ટોબર) એક આદેશમાં આરોપીઓને દોષી ઠેરવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક તમામ આરોપીઓને કસ્ટડીમાં લેવા માટે આદેશ આપ્યો હતો. CBIએ ગુરુવારે રાત્રે જ MLAની ધરપકડ કરી હતી. હવે પછી સજા પણ સંભળાવવામાં આવશે.
આ કેસ વર્ષ 2009-10 દરમિયાન બેલકેરી બંદરથી કરોડો રૂપિયાના લોહ અયસ્કનું ગેરકાયદસર રીતે ખનન કરીને તેને બારોબાર વેચી મારવા મામલેનો છે. જેમાં કુલ સાત આરોપીઓ હતા, જેમાં કોંગ્રેસ MLA સૈલ અને બંદરના નિવૃત્ત ડેપ્યુટી કન્ઝર્વેટર પણ સામેલ છે.
આ મામલે શરૂઆતમાં કર્ણાટક પોલીસે કેસ નોંધ્યો હતો, પરંતુ તપાસમાં મોટાપાયે કૌભાંડ થયું હોવાનું સામે આવ્યા બાદ CIDને સોંપવામાં આવ્યો અને પછી સુપ્રીમ કોર્ટના આદેશથી CBIને સોંપાયો હતો. સતીશ સૈલ પર તેમની માલિકીની કંપની મલ્લિકાર્જુન શિપિંગ પ્રાઇવેટ લિમિટેડ થકી આ લોહ અયસ્કની ખરીદી કરી હતી. કેસમાં અમુક કંપનીઓ પણ આરોપી તરીકે છે.