Friday, February 28, 2025
More

    કર્ણાટક સીએમ સિદ્ધારમૈયાના સત્તાવાર નિવાસસ્થાનનું થશે નવીનીકરણ, ખર્ચ થશે અઢી કરોડ: ભાજપે કહ્યું- આ બીજો શીશમહેલ

    જે ‘શીશમહેલ’ના કારણે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સત્તા ગઈ તેવો જ આરોપ હવે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કર્ણાટક સીએમના નિવાસસ્થાનમાં અમુક બાંધકામ કરવામાં આવનાર છે, જેના માટે અઢી કરોડ જેટલા ખર્ચનો અંદાજ લગાવવામાં આવ્યો છે. ભાજપે આને ‘શીશમહેલ’ ગણાવીને પ્રજાના પૈસે થતા ખર્ચ પર સવાલો ઉઠાવ્યા છે.

    વાસ્તવમાં કર્ણાટક CM સિદ્ધારમૈયા તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘કાવેરી’નું નવીનીકરણ કરાવી રહ્યા છે. આ માટે રાજ્યના જાહેર બાંધકામ વિભાગે ₹2.60 કરોડના ખર્ચનો અંદાજ લગાવ્યો છે.

    રાજ્યના નાણાં વિભાગે જારી કરેલ સૂચના અનુસાર બાથરૂમ સાથેનો નવો રૂમ, વધારાનો સ્ટોરેજ રૂમ, સ્ટોરેજ રેક્સ, અપગ્રેડેડ લાઇટિંગ, પાણીની વ્યવસ્થા, ફર્નિચર વગેરે સહિત વિવિધ બાબતોનો સમાવેશ છે. આ ઉપરાંત હેલ્પર રૂમ અને રસોડાની વસ્તુઓ વગેરેના બાંધકામ માટે ₹1.70 કરોડ, એર કન્ડિશનિંગ અને વીજળી માટે ₹89 લાખ ફાળવવામાં આવ્યા છે.

    આ ઉપરાંત સીસીટીવી કેમેરા, એર કન્ડિશનર અને અન્ય ઇલેક્ટ્રિકલ સાધનો વગેરે માટે ₹16 લાખની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીના સચિવના રૂમનું નવીનીકરણ કરવા ₹45 લાખ ફાળવવામાં આવ્યા છે. જેની મંજૂરી ટેન્ડર બહાર પાડ્યા વિના જ PwD વિભાગને આપી દેવાઈ છે.

    આ મામલે ચિકપેટના ભાજપના ધારાસભ્ય ઉદય ગરુડાચરે આરોપ લગાવ્યો હતો કે સિદ્ધારમૈયા એવા કામ કરી રહ્યા છે જે ન કરવા જોઈએ. તેમણે કહ્યું હતું કે પહેલાં લોકોની જરૂરિયાત પૂર્ણ થાય પછી મુખ્યમંત્રીએ તેમના ઘરના નવીનીકરણ માટે ખર્ચા કરવા જોઈએ.