Saturday, March 15, 2025
More

    ‘ઈમરજન્સી’ માટે સેન્સર બોર્ડે સૂચવેલા કટ માટે કંગના રણૌત સંમત, બૉમ્બે હાઈકોર્ટે બંધ કર્યો કેસ

    અભિનેત્રી કંગના રણૌત નિર્મિત અને અભિનીત ફિલ્મ ‘ઈમરજન્સી’ અમુક વિવાદોના કારણે સેન્સર બોર્ડમાં જ અટવાઈ ગઈ હતી. પરંતુ હવે સેન્સર બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા સૂચવવામાં આવેલા કટ્સ માટે કંગનાએ તૈયારી દર્શાવી છે. જેના કારણે બૉમ્બે હાઈકોર્ટે પણ કેસ બંધ કરી દીધો છે. 

    આ મામલે ફિલ્મની સહનિર્માતા કંપની ઝી સ્ટુડિયોઝ દ્વારા બૉમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને આરોપ લગાવવામાં આવ્યો હતો કે સેન્સર બોર્ડે ખોટી રીતે ફિલ્મનું સર્ટિફિકેટ રોકી રાખ્યું છે. ત્યારબાદ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. 

    તાજેતરની સુનાવણીમાં ઝી તરફથી કોર્ટને કહેવામાં આવ્યું કે નિર્માતાઓએ CBFC દ્વારા સૂચવવામાં આવેલા કટ્સ ફિલ્મમાં કરવા માટે તૈયારી દર્શાવી છે. આ માટે કંગનાની મણિકર્ણિકા ફિલ્મ્સ દ્વારા એક મહિનાનો સમય માંગવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. 

    એક મહિના બાદ ફિલ્મ સુધારા સાથે ફરીથી સેન્સર બોર્ડ પાસે મોકલવામાં આવશે અને 14 દિવસના સમયગાળામાં સર્ટિફિકેટ પર નિર્ણય આપી દેશે. 

    બૉમ્બે હાઈકોર્ટની બે જજની બેન્ચે બંને પક્ષો વચ્ચે થયેલ આ સમજૂતીને ધ્યાનમાં લઈને ઝીની અરજીનો નિકાલ કર્યો હતો અને કેસ બંધ કરી દીધો હતો. કોર્ટે સાથે એમ પણ સ્પષ્ટતા કરી કે તેઓ કેસનાં મેરિટ્સ પર ગયા નથી.