Sunday, July 13, 2025
More

    ‘40 વર્ષનાં લગ્ન તોડ્યાં, હનીમૂન પરથી આવીને મારી સાથે લડવાનું ચાલુ કર્યું’: મહુઆ મોઈત્રા પર બગડ્યા પાર્ટીના જ સાંસદ કલ્યાણ બેનર્જી

    કોલકાતા રેપ કેસ પર TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ કરેલી ટિપ્પણીઓ અને ત્યારબાદ પાર્ટીએ અંતર બનાવી લીધા બાદ આંતરિક કલેશ ચાલુ જ છે. હવે પાર્ટીના જ બે લોકસભા સાંસદો મહુઆ મોઈત્રા અને કલ્યાણ બેનર્જી સામસામે આવી ગયા છે. મહુઆએ કલ્યાણ બેનર્જીની ટિપ્પણીથી પાર્ટીએ અંતર બનાવ્યા બાદ ટિપ્પણી કરતાં બેનર્જીએ પણ મહુઆના અંગત જીવન પર ટિપ્પણી કરીને વિવાદને વેગ આપ્યો હતો. 

    વાસ્તવમાં મહુઆ મોઈત્રાએ પાર્ટીના નિર્ણયનું સમર્થન કર્યું હતું અને લખ્યું હતું કે મહિલાવિરોધી માનસિકતા ભારતમાં તમામ પાર્ટીઓમાં જોવા મળે છે. TMC અલગ એટલા માટે પડે છે કે અમે ઘૃણાસ્પદ ટિપ્પણીઓને કડક શબ્દોમાં વખોડવાની ક્ષમતા ધરાવીએ છીએ, એ ભલે ગમે તેણે કરી હોય. અહીં વાત કલ્યાણ બેનર્જી થઈ રહી હતી, જેમણે કોલકાતા રેપ કેસ મુદ્દે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે મિત્ર જ રેપ કરે તો શું કરી શકાય? ત્યારબાદ TMCએ નિવેદનથી અંતર બનાવી લીધું હતું. 

    મહુઆની ટિપ્પણીથી ક્રોધિત થયેલા કલ્યાણ બેનર્જીએ પછીથી મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું, “મહુઆ હનીમૂન મનાવીને ભારત આવી અને મારી સાથે લડવા માંડી છે. તે મને મહિલાવિરોધી કહે છે. તે છે કોણ? તેણે એક 40 વર્ષના લગ્નનો અંત આણીને 65 વર્ષના માણસ સાથે લગ્ન કરી લીધાં. શું તેણે મહિલાને ઠેસ નથી પહોંચાડી?”

    આગળ ઉમેર્યું કે, “એક સાંસદ જે નૈતિકતાનું ઉલ્લંઘન કરવા બદલ સંસદમાંથી બહાર થઈ ચૂકી હોય એ મને શીખવશે? મહિલાવિરોધી તો તેઓ પોતે છે.”