ગત મહિને દિલ્હીમાં જે ન્યાયાધીશના ઘરે આગ લાગ્યા બાદ કરોડો રૂપિયા રોકડા મળી આવ્યા હતા એ જસ્ટિસ યશવંત વર્મા હવે અલ્હાબાદ હાઈકોર્ટના જજ બન્યા છે. શનિવારે (5 એપ્રિલ) તેમણે શપથ ગ્રહણ કર્યા.
ઘરેથી પૈસા મળવાનો વિવાદ થયા બાદ સુપ્રીમ કોર્ટ કૉલેજિયમે તેમની બદલી અલ્હાબાદ હાઈકોર્ટ કરી દીધી હતી. જેનો જોકે સ્થાનિક બાર એસોશિએશને વિરોધ પણ બહુ કર્યો હતો અને હડતાળ પણ પાડી હતી. જોકે પછીથી સમેટી લેવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે યશવંત વર્મા સામે એક આંતરિક તપાસ શરૂ કરી છે, જે હાલ ચાલી રહી છે. જેથી અલ્હાબાદ હાઈકોર્ટને પણ CJIએ આદેશ આપ્યો હતો કે યશવંત વર્માને આ તપાસ પૂર્ણ થઈ જાય ત્યાં સુધી કોઈ કામ આપવામાં ન આવે. જેથી હાલ તેઓ કેસો જોઈ શકશે નહીં. સુપ્રીમ કોર્ટે ગત સપ્તાહે જસ્ટિસ વર્મા સામે FIR દાખલ કરવાની એક અરજી ફગાવી દીધી હતી અને કારણ આપ્યું હતું કે ઈનહાઉસ ઈન્કવાયરી ચાલી રહી છે ત્યારે આ સમયે કોઈ હસ્તક્ષેપ થઈ શકે એમ નથી.