Wednesday, March 26, 2025
More

    જસ્ટિસ સંજીવ ખન્ના બની શકે આગામી મુખ્ય ન્યાયાધીશ, CJI ચંદ્રચૂડે મોકલ્યું નામ: નવેમ્બર, 2024માં કાર્યભાર સંભાળશે

    ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચૂડનો કાર્યકાળ આગામી નવેમ્બર મહિનામાં પૂર્ણ થઈ રહ્યો છે. જેથી તેમણે તેમના અનુગામી તરીકે જસ્ટિસ સંજીવ ખન્નાના (Sanjiv Khanna) નામની ભલામણ કરી છે. 

    સંજીવ ખન્ના હાલ સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ (CJI બાદ) ન્યાયાધીશ છે. CJI ચંદ્રચૂડે તેમનું નામ કેન્દ્રીય કાયદા મંત્રાલયને મોકલી આપ્યું છે. 

    મંત્રાલય આ ભલામણ સ્વીકારી લે તો જસ્ટિસ ખન્ના 51મા ચીફ જસ્ટિસ બનશે. તેમનો કાર્યકાળ 6 મહિનાનો રહેશે, જે 13 મે, 2025ના રોજ પૂર્ણ થાય છે. 

    ડીવાય ચંદ્રચૂડ આગામી 10 નવેમ્બરના રોજ મુખ્ય ન્યાયાધીશ પદેથી વયનિવૃત્ત થઈ રહ્યા છે. નવેમ્બર, 2022માં તેમણે CJI તરીકેનો પદભાર સંભાળ્યો હતો. તેઓ આ પદ પર 2 વર્ષ રહ્યા. તેમના પિતા પણ CJI રહી ચૂક્યા છે. 

    પરંપરા અનુસાર, મુખ્ય ન્યાયાધીશ નિવૃત્તિના થોડા દિવસો પહેલાં કેન્દ્ર સરકારને એક ભલામણ મોકલે છે, જેમાં તેમના અનુગામી કોને બનાવવા તેમનું નામ હોય છે. સમાન્ય રીતે આ નામની પસંદગી સેકન્ડ મોસ્ટ સિનિયરની જ કરવામાં આવે છે. ત્યારબાદ કાયદા મંત્રાલય તેને મંજૂરી આપે છે અને રાષ્ટ્રપતિ ગેઝેટ દ્વારા CJIની નિમણૂક કરે છે.