પાકિસ્તાનમાં (Pakistan) આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોનો એક પછી એક સફાયો થઈ રહ્યો છે. તાજેતરમાં જ સામે આવેલ અહેવાલ અનુસાર ક્વેટાના એરપોર્ટ રોડ પર 16 માર્ચની રાત્રે જમિયત ઉલેમા-એ-ઇસ્લામના (JUI) નેતા મુફ્તી અબ્દુલ બાકી નૂરઝાઈની (Mufti Abdul Baqi Noorzai) હત્યા કરવામાં આવી હતી.
અહેવાલ અનુસાર અજાણ્યા બંદૂકધારીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ મામલામાં પોલીસે માહિતી આપી હતી કે હુમલામાં મુફ્તી ગંભીર રીતે ઘાયલ થયો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
હોસ્પિટલ લઈ જતાં હોસ્પિટલ સત્તાવાળાઓએ પુષ્ટિ કરી હતી કે મુફ્તીનું ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ થયું હતું. હવે પાકિસ્તાની સુરક્ષા દળોએ આ હુમલાની તપાસ શરૂ કરી દીધી છે.
નોંધનીય છે કે પાછલાં કેટલાક સમયમાં પાકિસ્તાનમાં ઘણા આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હોવાના મામલા સામે આવી ચૂક્યા છે. તાજેતરમાં જ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અબુ કતાલની હત્યા કરી નાખવામાં આવી હતી.
આ ઉપરાંત 14 માર્ચના રોજ જુમ્માની નમાજ દરમિયાન ખૈબર પખ્તુનખ્વાના દક્ષિણ વઝીરિસ્તાનની એક મસ્જિદમાં બૉમ્બ વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં જમિયત ઉલેમા-એ-ઇસ્લામના (JUI) જિલ્લા પ્રમુખ અબ્દુલ્લા નદીમ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે અન્ય ત્રણ લોકોને ઇજાઓ થઈ હતી.