2020નાં દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણો મામલે ચાલી રહેલા કેસમાં સુનાવણી કરતા ન્યાયાધીશની બદલી રદબાતલ ઠેરવવામાં આવી છે. તેઓ ફરી તેમના અગાઉના પોસ્ટિંગ પર જ જશે, જેથી કેસની સુનાવણી પણ નવેસરથી કરવાની જરૂર નહીં રહે.
ગત 30 મેના રોજ દિલ્હીની શાહદરા કોર્ટના જજ સમીર બાજપાઈની બદલી સાકેત કોર્ટમાં કરવામાં આવી હતી. તેમના સ્થાને એડિશનલ સેશન્સ જજ લલિત કુમારને મૂકવામાં આવ્યા હતા. જજ સમીર બાજપાઈ દિલ્હી રમખાણોને લગતા કેસની સુનાવણી કરી રહ્યા હતા, પરંતુ તેમની બદલી થઈ ગયા બાદ જજ કુમારે નવેસરથી કેસની સુનાવણી કરવી પડે તેમ હતી. પરંતુ હાઇકોર્ટે બદલીનો આદેશ પલટાવી દીધો.
18 જૂનના એક આદેશમાં દિલ્હી હાઇકોર્ટે નિર્દેશ આપતાં કહ્યું કે જજ સમીર બાજપાઈ ફરીથી શાહદરા કોર્ટ જ જશે અને તેમના સ્થાને લલિત કુમાર સાકેત કોર્ટમાં નિમણૂક પામશે.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં આરોપો પર સુનાવણી શરૂ થઈ હતી. દિલ્હી પોલીસનો પક્ષ રજૂ કરતા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અને પાંચ આરોપીઓના વકીલોએ તેમની દલીલો પૂર્ણ કરી લીધી છે. કેસમાં પોલીસે 17 હજાર પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે.