વક્ફ સંશોધન બિલ પર નીમવામાં આવેલી સંયુક્ત સંસદીય સમિતિએ (JPC) રિપોર્ટ તૈયાર કરીને લોકસભા અધ્યક્ષને સુપરત કરી દીધો છે. અધ્યક્ષ અને અન્ય સભ્યોએ મળીને લોકસભા સ્પીકર ઓમ બિરલાને આ રિપોર્ટ સોંપ્યો હતો.
હવે સોમવારે (3 ફેબ્રુઆરી) રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવશે. JPC અધ્યક્ષ જગદંબિકાપાલ આ રિપોર્ટ ગૃહ સમક્ષ રજૂ કરશે. તેની ઉપર ચર્ચા બાદ સ્વીકારવામાં આવશે. ત્યારબાદ બિલ ઉપર પણ ચર્ચા થશે.
ગત 29 જાન્યુઆરીએ જ જેપીસીએ વક્ફ બિલ પરનો પોતાનો રિપોર્ટ સ્વીકાર્યો હતો. જેમાં કુલ 14 સંશોધનોને મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ, વિપક્ષી સભ્યોએ સૂચવેલા તમામ સુધારાઓ રદ કરી દેવામાં આવ્યા છે. રિપોર્ટ આખરે બહુમતીથી સ્વીકારી લેવામાં આવ્યો હતો. જાણવા મળ્યા અનુસાર, સમિતિએ 14 ક્લોઝ અને 25 સંશોધનો સાથે નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.
JPC અધ્યક્ષે આ મામલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, “અમે વક્ફ બિલ પર સંસદીય સમિતિનો ડ્રાફ્ટ રિપોર્ટ અને સંશોધિત બિલને સ્વીકારી લીધું છે. પહેલી વખત અમે એક ખંડ ઉમેર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વક્ફનો લાભ હાંસિયામાં રહેલા ગરીબો, મહિલાઓ અને અનાથોને મળવો જોઈએ. અમારી સમક્ષ 44 ક્લોઝ હતા, જેમાંથી 14માં સભ્યો દ્વારા સંશોધન પ્રસ્તાવિત કરવામાં આવ્યાં હતાં. અમે મતદાન કરીને બહુમતીથી સંશોધન સ્વીકાર્યાં હતાં.”