Wednesday, March 26, 2025
More

    રાજ્યસભામાં રજૂ થયો વક્ફ પર JPCનો રિપોર્ટ, વિપક્ષના હોબાળા વચ્ચે સ્વીકારાયો; આરોપો મુદ્દે મંત્રી કિરેન રિજિજુએ કરી સ્પષ્ટતા

    વક્ફ સંશોધન અધિનિયમ પર બનેલી સંયુક્ત સંસદીય સમિતિએ તૈયાર કરેલ રિપોર્ટ 13 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જે રજૂ થતાંની સાથે જ આદત અનુસાર વિપક્ષી સાંસદોએ હોબાળો મચાવવાનો શરૂ કરી દીધો હતો તથા સૂત્રોચ્ચાર કરવાના શરૂ કરી દીધા હતા. જોકે તેમની તરકીબો કામ આવી નહીં અને ગૃહે રિપોર્ટ સ્વીકારી લીધો હતો.

    વિપક્ષી સાંસદોએ એવો દાવો કર્યો હતો કે અસહમતી દર્શાવતા કેટલાક ભાગો હટાવી દેવામાં આવ્યા હતા. આ દાવા સાથે જ વિપક્ષે હોબાળો શરૂ કર્યો જેના કારણે દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.

    જ્યારે ફરીથી આ કાર્યવાહી શરૂ થઈ ત્યારે પણ વિપક્ષે હોબાળો ચાલુ રાખ્યો તથા દર વખતની જેમ જ ગૃહમાંથી વોકઆઉટ કરી દીધું હતું. ત્યારે આ મામલે કેન્દ્રીય મંત્રી કિરેન રિજુજુનું નિવેદન સામે આવ્યું હતું, તેમણે વિપક્ષી દાવાઓને ફગાવી દીધા છે.

    રિજુજુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “પાછલા 6 મહિનામાં વક્ફ બિલ પર બનાવવામાં આવેલ JPCના રિપોર્ટ માટે લાખો આવેદન પત્રો આવ્યા છે, ફીઝીકલ અને લેખિત બંને સ્વરૂપે. આજે રાજ્યસભામાં રજૂ કરતી વખતે કેટલાક વિપક્ષી સાંસદોએ વિરોધ ઉઠાવ્યો અને એમ કહ્યું કે તેમના વાંધાઓને હટાવવામાં આવ્યા છે.”

    તેમણે કહ્યું હતું કે, “સમગ્ર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જોકે અધ્યક્ષ પાસે સત્તા છે કે તે રિપોર્ટના અસંમતી વાંધાઓના એ ભાગને હટાવી શકે છે, નિયમો અનુસાર અધ્યક્ષ પાસે આ સત્તા છે. જો વિપક્ષી સાંસદોને એવું લાગે છે કે આ નહોતું હટાવવું જોઈતું તો તેઓ અધ્યક્ષને કહી શકે છે, જો અધ્યક્ષને યોગ્ય લાગશે તો તેનો ઉમેરો પણ કરી શકે છે.”

    આ સિવાય તેમણે કહ્યું હતું કે, “JPC રિપોર્ટને ગેરકાયદેસર અને ગેરબંધારણીય કહેવું યોગ્ય નથી. બધી પાર્ટીઓના સભ્યો ભેગા કરીને JPC બનાવવામાં આવી છે. આ NDAનો રિપોર્ટ નથી; તે સંસદનો, સંયુક્ત સંસદીય સમિતિનો રિપોર્ટ છે… રાજ્યસભામાં રજૂ કરાયેલા અને લોકસભામાં રજૂ કરવામાં આવનાર રિપોર્ટમાં બધી અસંમતિ નોંધો સામેલ છે…”