વક્ફ સંશોધન બિલ પર બનાવવામાં આવેલી સંયુક્ત સંસદીય સમિતિ ગુરુવારે (13 ફેબ્રુઆરી) લોકસભામાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. સમિતિ પહેલાં જ લોકસભા અધ્યક્ષને આ રિપોર્ટ સુપરત કરી ચૂકી છે. હવે લોકસભામાં તેને રજૂ કરવામાં આવશે અને ચર્ચા થશે.
સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ આ રિપોર્ટ લોકસભામાં રજૂ કરશે. 13 ફેબ્રુઆરીના બિઝનેસ લિસ્ટમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ કુલ 944 પાનાંનો છે અને તેમાં નવા સંશોધિત બિલના તમામ ખંડો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. દરેક રાજ્યનાં વક્ફ બોર્ડ, મુસ્લિમ સંગઠનો અને સંસ્થાઓ, મંત્રાલયો સાથે વિસ્તૃત અને વિગતવાર ચર્ચા બાદ સમિતિએ અમુક સુધારાઓ સૂચવીને સંશોધિત બિલ પણ આ રિપોર્ટમાં રજૂ કર્યું છે.
રિપોર્ટ રજૂ થયા બાદ લોકસભામાં તેની ચર્ચા કરવામાં આવશે. દરમ્યાન સંશોધિત બિલ પર ચર્ચા થશે અને જો બહુમતીથી પસાર થાય તો સુધારાઓને વક્ફ એક્ટમાં સ્થાન મળશે. જેનાથી ઘણાં પરિવર્તનો આવશે.