Tuesday, June 24, 2025
More

    જમ્મુ-કાશ્મીરના શોપિયામાં લશ્કર-એ-તૈયબાના 2 આતંકીઓ બશીર અને ઉઝૈર સલામે કર્યું આત્મસમર્પણ: હથિયારો-રોકડ સહિતની વસ્તુઓ થઈ જપ્ત

    જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) શોપિયામાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલા બે હાઈબ્રિડ આતંકીઓ (Terrorists) ઈરફાન બશીર અને ઉઝૈર સલામની ધરપકડ કરી છે. આ ધરપકડ 28 મેની રાત્રે બસ્કુચન વિસ્તારમાં ચલાવવામાં આવેલા કોર્ડન એન્ડ સર્ચ ઑપરેશન (CASO) દરમિયાન કરવામાં આવી હતી જેમાં આતંકીઓએ આત્મસમર્પણ કર્યું હતું.

    આ  સર્ચ ઑપરેશનમાં ભારતીય સેનાની 44 રાષ્ટ્રીય રાઈફલ્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની 178મી બટાલિયને સાથે મળીને કર્યું હતું.

    સુરક્ષા દળોએ ચોક્કસ ગુપ્તચર માહિતીના આધારે આ ઑપરેશન શરૂ કર્યું હતું. ઑપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને નજીકના વિસ્તારમાં આતંકવાદીઓની હલચલ જોવા મળી હતી. દરમિયાન સુરક્ષા દળોની ઝડપી અને વ્યૂહાત્મક કાર્યવાહીને કારણે બંને આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું, જેનાથી સંભવિત એન્કાઉન્ટર ટળી ગયું.

    ધરપકડ દરમિયાન, સુરક્ષા દળોએ બે AK-56 રાઈફલ્સ, ચાર મેગેઝીન, 102 રાઉન્ડ (7.62x39mm), બે હેન્ડ ગ્રેનેડ, બે પાઉચ, ₹5,400 રોકડ અને એક આધાર કાર્ડ જપ્ત કર્યા. આ ધરપકડને શોપિયા પોલીસે રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વની સફળતા ગણાવી છે.

    ઈરફાન બશીર અને ઉઝૈર સલામ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે અને તપાસ ચાલુ છે. હાઈબ્રિડ આતંકવાદીઓ એવા વ્યક્તિઓ હોય છે જેઓ આતંકવાદી સૂચિમાં નથી હોતા, પરંતુ તેઓ આતંકવાદી હુમલો કરવા માટે પૂરતા રેડિકલાઈઝ્ડ હોય છે. શોપિયા પોલીસે જણાવ્યું કે આ સફળ ઑપરેશનથી વિસ્તારમાં સુરક્ષાને ખતરો હોય એવી ઘટના ટળી શકે છે.