Wednesday, June 11, 2025
More

    રાહુલ ગાંધી વિરુદ્ધ ઝારખંડની કોર્ટનું બિનજામીનપાત્ર વૉરન્ટ, 26 જૂને હાજર રહેવા આદેશ

    ઝારખંડના ચાઈબાસાની MP-MLA કોર્ટે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલતા એક માનહાનિના કેસમાં બિનજામીનપાત્ર વૉરન્ટ ઇસ્યુ કર્યું છે. કોર્ટે રાહુલને 26 જૂનના રોજ રૂબરૂ હાજર રહેવા માટે આદેશ આપ્યો છે. રાહુલ ગાંધીના વકીલે વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિની માંગ કરતી અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી હતી. 

    મામલો ભાજપ નેતા પ્રતાપ કટિયારની ફરિયાદ પર દાખલ કરવામાં આવેલા એક કેસ સંબંધિત છે. રાહુલ ગાંધીએ વર્ષ 2018માં કોંગ્રેસ પાર્ટીની એક સભામાં ભાષણ આપતી વખતે તત્કાલીન ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર અમુક આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી, જેને લઈને પછીથી ફરિયાદ કરવામાં આવી અને તેના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો. 

    ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “જેમની ઉપર હત્યાના આરોપો છે તેઓ પણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બની શકે છે.” આ તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની બદનક્ષી છે તેવા આરોપો સાથે ભાજપ નેતા કટિયારે પછીથી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ ઝારખંડ હાઇકોર્ટના આદેશથી ફેબ્રુઆરી 2020માં કેસ રાંચીની એમપી-એમએલએ કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. અહીંથી કેસ ચાઈબાસા એમપી-એમએલએ કોર્ટને મોકલવામાં આવ્યો, જ્યાં હાલ લંબિત છે.