Monday, June 23, 2025
More

    જમ્મુ-કાશ્મીર CM ઓમર અબ્દુલ્લા પહોંચ્યા ખીર ભવાની મંદિર: વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના દર્શન કરીને લીધો પૂજા-અર્ચનાનો લાભ

    જમ્મુ-કાશ્મીર CM ઓમર અબ્દુલ્લા 20 મેના રોજ માતા ખીર ભવાની મંદિર પહોંચ્યા છે. જ્યાં તેમણે દેવીના ચરણોમાં મસ્તક પણ નમાવ્યું છે. મળતી માહિતી મુજબ, આ મંદિર શ્રીનગરના તુલામુલ્લા ગામમાં આવેલું છે. તે દેવી ખીર ભવાનીને સમર્પિત છે. દેવીને કાશ્મીરી હિંદુઓના આશ્રયદાતા દેવી પણ માનવામાં આવે છે. માતા ખીર ભવાની મંદિરમાં દર વર્ષે મેળો ભરાય છે, જે આ વર્ષે 3 જૂને યોજાશે.

    CM ઓમર અબ્દુલ્લાએ માતાજીના દર્શન કર્યા હતા અને ત્યારબાદ આરતી પણ કરી હતી. આ સાથે જ તેમણે ધાર્મિક પૂજાવિધિ પણ કરી હતી. દરમિયાન મંદિરના પૂજારી અને બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ ભગવો ખેસ પહેરેલો પણ જોવા મળ્યો હતો.

    સોશિયલ મીડિયા પર તેમના મંદિર મુલાકાતના ઘણા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, તેઓ માતાજીના દર્શન કર્યા બાદ પૂજા-અર્ચના પણ કરી રહ્યા છે. નોંધનીય છે કે, ભવાની માતાજીને ચોખાની ખીર ધરવામાં આવતી હોવાથી તે મંદિરનું નામ ખીર ભવાની પડ્યું હતું.