Saturday, April 19, 2025
More

    મહારાષ્ટ્રના જાલનામાં 3000થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોના નકલી જન્મ પ્રમાણપત્રો કરાયા રદ્દ: પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાનો દાવો

    ભાજપના નેતા કિરીટ સોમૈયાએ (Kirit Somaiya) 21 માર્ચે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના જાલનામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને છેતરપિંડીથી આપવામાં આવેલા 3,595 જન્મ પ્રમાણપત્રો (Birth Certificates) અધિકારીઓએ રદ્દ કરી દીધા છે. કિરીટ સોમૈયા પૂર્વમાં લોકસભા સાંસદ રહી ચૂક્યા છે.

    આ અંગે તેમણે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “નાયબ તહસીલદાર દ્વારા ગેરકાયદેસર રીતે જારી કરાયેલા 3595 જન્મ પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા. અંબાડ તાલુકામાં વર્ષ 2024માં જારી કરાયેલા તમામ 1760 જન્મ પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે.”

    ભૂતપૂર્વ લોકસભા સાંસદે જણાવ્યું હતું કે, “જાલના જિલ્લામાં કુલ 8,551 બાંગ્લાદેશી નાગરિકોને જન્મ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા, જેમાં અંબાડ, ભોકરદન, જાલના અને પરતુર તાલુકાઓમાંથી અરજીઓ આવી હતી. તેમાંથી 3,595 અરજીઓ રદ કરવામાં આવી છે. બાકીના પણ રદ કરવામાં આવશે.”

    તેમણે કહ્યું, “નાયબ તહસીલદારો પાસે જન્મ પ્રમાણપત્ર જારી કરવાનો અધિકાર નથી, પરંતુ તેમણે નિયમોને અવગણીને આમ કર્યું છે. આવા ગેરકાયદેસર રીતે જારી કરાયેલા જન્મ પ્રમાણપત્રો રદ કરવામાં આવશે.”