Tuesday, June 17, 2025
More

    ‘સિલેબસ બહાર કરવું પડશે વિદેશનીતિઓનું સંચાલન’: ભારતીય વિદેશમંત્રીએ ડોનાલ્ડ ટ્રમ્પને ગણાવ્યા ‘અમેરિકન રાષ્ટ્રવાદી’, કહ્યું- તેમની નીતિઓ વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં લાવી શકે પરિવર્તન

    20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકેની શપથ ગ્રહણ કર્યા બાદ જે નિર્ણયો લીધા તેની સમગ્ર વિશ્વ પર અસર થઇ રહી છે. ત્યારે હવે આ અંગે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે (S Jaishankar) પણ નિવેદન આપ્યું હતું.

    વિદેશમંત્રી દિલ્હી યુનિવર્સિટીના હંસરાજ કોલેજમાં એક કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા જ્યાં તેમણે ભારત-અમેરિકા સંબંધો વિશે વાત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધ છે.

    આ જ દરમિયાન તેમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના મિત્ર છે કે શત્રુ? ત્યારે આ મામલે જયશંકરે ટ્રમ્પને અમેરિકન રાષ્ટ્રવાદી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “મેં તાજેતરમાં જ તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી અને તેમણે અમારી સાથે ખૂબ જ સારો વ્યવહાર કર્યો. મારું માનવું છે કે તેઓ એક અમેરિકન રાષ્ટ્રવાદી છે.”

    આ દરમિયાન તેમણે એ બાબતનો સ્વીકાર કર્યો હતો કે ટ્રમ્પની નીતિઓ વૈશ્વિક બાબતોમાં નોંધપાત્ર પરિવર્તન લાવી શકે છે, પરંતુ ભારતની વિદેશનીતિ રાષ્ટ્રીય હિત દ્વારા સંચાલિત રહેશે એવું પણ ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આપણા દેશના હિતને ધ્યાનમાં રાખીને સિલેબસથી બહાર નીકળીને નીતિઓનું સંચાલન કરવું પડશે.”