Monday, April 14, 2025
More

    2008ના જયપુર સિરિયલ બ્લાસ્ટ કેસમાં કોર્ટનો ચુકાદો: સૈફુર, શાહબાઝ સહિત 4 આતંકીઓને આજીવન કેદ, હુમલામાં 71નો ગયો હતો જીવ

    2008ના જયપુર સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ (Jaipur Serial Bomb Blast) કેસમાં કોર્ટે આજે એટલે કે 8 એપ્રિલના રોજ એક મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે ચાર આતંકીઓને આજીવન કેદની સજા (Life Imprisonment) ફટકારી છે. આ વિસ્ફોટ લગભગ 17 વર્ષ પહેલાં થયો હતો, જેમાં 71 લોકો માર્યા ગયા હતા. જ્યારે ઘણા ઘાયલ થયા હતા.

    આ અગાઉ કોર્ટે ચાર દિવસ પહેલાં જ મોહમ્મદ સરવર, સૈફુર રહેમાન, સૈફ અને શાહબાઝ સહિત ચાર આરોપીઓને IPCની 4 કલમો, UAPAની 2 કલમો અને વિસ્ફોટક અધિનિયમની 3 કલમો હેઠળ દોષિત ઠેરવ્યા હતા. સોમવારે જાહેર કરાયેલા 600 પાનાંના વિગતવાર ચુકાદામાં, કોર્ટે આ ગુનાઓને સમાજ માટે ‘ગંભીર ખતરો’ ગણાવ્યા હતા.

    આ કેસમાં સરકાર વતી કોર્ટમાં 112 પુરાવા, 1192 દસ્તાવેજો, 125 ટુકડા કરેલા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. આ બધા પુરાવા અને તથ્યોના આધારે, કોર્ટે ચારેય ગુનેગારોને સજા ફટકારી હતી. નોંધનીય છે કે આ બધા દોષિતો પહેલાંથી જ જેલની સજા કાપી રહ્યા હતા.

    કોર્ટે રાહત માટેની અરજી ફગાવી દીધી. સજા સંભળાવતી વખતે, વિશેષ ન્યાયાધીશ રમેશ કુમાર જોશીએ કહ્યું, “સૌથી મોટી અદાલત વ્યક્તિનો અંતરાત્મા છે. સજા એટલા માટે આપવામાં આવી છે કારણ કે ગુનો થયો છે.”