Tuesday, March 11, 2025
More

    ‘સૈન્ય અભિયાન ચલાવ્યું તો બધાને મારી નાખીશું’: પાકિસ્તાનમાં BLAના ક્રાંતિકારીઓએ હાઈજેક કરી ટ્રેન, સેનાના 6 જવાનોની હત્યા, 120થી વધુ યાત્રિકોને બનાવ્યા બંધક

    પાકિસ્તાનથી સમાચાર સામે આવી રહ્યા છે કે, બલોચ લિબરેશન આર્મીએ (BLA) એક આખી ટ્રેન હાઈજેક કરી લીધી છે. ટ્રેનમાં કુલ 120થી વધુ યાત્રિકો હોવાનું સામે આવી રહ્યું છે. ટ્રેનનું નામ જાફર એક્સપ્રેસ હોવાનું કહેવાય રહ્યું છે. આ સાથે જ BLAએ ધમકી આપી છે કે, જો પાકિસ્તાન કોઈપણ સૈન્ય અભિયાન ચલાવશે તો તમામ મુસાફરોને મારી નાખવામાં આવશે.

    BLAએ એક નિવેદન જારી કર્યું છે કે, તેણે જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરી લીધી છે અને 100થી વધુ યાત્રિકોને બંધક બનાવી લીધા છે. આ સાથે જ તેણે એવો પણ દાવો કર્યો છે કે, તેમણે 6 પાકિસ્તાની સેનાના સૈનિકોને પણ મારી નાખ્યા છે. BLAના પ્રવક્તાએ જણાવ્યું છે કે, આ ઓપરેશન BLA મજીદ બ્રિગેડ ફતેહ સ્કવોડ અને STOS દ્વારા ચલાવવામાં આવ્યું હતું.

    આ ઘટના તેવા સમયે ઘટી જ્યારે જાફર એક્સપ્રેસ ટ્રેન પાકિસ્તાનના દક્ષિણી-પશ્ચિમી બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબરના પેશાવર જઈ રહી હતી. BLAએ કહ્યું છે કે, “અમારા સ્વતંત્રતા સેનાનીઓએ રેલવે ટ્રેકને ઉડાવી દીધો છે, જેના કારણે જાફર એક્સપ્રેસને અટકવું પડ્યું હતું. અમારા લડાકાઓએ ઝડપી નિયંત્રણ મેળવીને તમામ મુસાફરોને બંધક બનાવી લીધા છે.”