કચ્છના ભુજમાંથી હાથીદાંતની ચોરીનો મામલો સામે આવ્યો છે, જે મામલે ચાર ઇસમો સામે ગુનો દાખલ કરીને ત્રણની ધરપકડ કરી લેવામાં આવી છે.
વાસ્તવમાં ભુજના ડાડા બજારમાં આવેલ મણિયાર બેંગલ્સ દુકાનમાં હાથીદાંતની બંગડીઓનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી પોલીસને મળી હતી. ત્યારબાદ સ્થળ પર જઈને તપાસ કરતાં પોલીસને કુલ 10 બંગડીઓ મળી આવી હતી.
ત્યારબાદ આ બંગડીઓનાં સેમ્પલ રાજકોટ FSLને મોકલવામાં આવ્યાં હતાં. જે તપાસમાં 10માંથી 7 બંગડીઓ હાથીદાંતની હોવાનું સામે આવ્યું હતું, જેની અંદાજિત કિંમત ₹1 લાખ આંકવામાં આવી છે.
પોલીસે આ મામલે આસિમ અહમદ મણિયાર, અહમદ સુલેમાન મણિયાર અને અઝરુદ્દીન મણિયારની ધરપકડ કરી લીધી હતી. અન્ય આરોપીઓની શોધખોળ હાલ ચાલી રહી છે, તેમજ પોલીસ એ પણ જાણવાના પ્રયાસ કરી રહી છે કે આ પાછળ કોઈ અન્યનો હાથ છે કે કેમ.
નોંધવું જોઈએ કે ભારતના કાયદાઓ અનુસાર, હાથીદાંત કે તેની બનાવટો વેચવી એ ગુનો છે.