Thursday, March 20, 2025
More

    ‘ક્લિન્ટન, બ્લેરે લિબરલ નેટવર્ક ઊભું કર્યું ત્યારે તેમને ‘સ્ટેટ્સમેન’ કહેવાતા, આજે ટ્રમ્પ, મેલોની કે મોદીને લોકતંત્ર માટે જોખમ કહેવાય છે’: ઇટલી પીએમએ ખુલ્લાં પાડ્યાં લેફ્ટિસ્ટોનાં બેવડાં ધોરણો

    ઇટાલિયન PM જ્યોર્જિયા મેલોનીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, આર્જેન્ટિયાના રાષ્ટ્રપતિ જેવિયર મિલે અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા વૈશ્વિક જમણેરી નેતાઓને નિશાન બનાવવા બદલ લેફ્ટ ઇકોસિસ્ટમ પર પ્રહાર કર્યા છે. તેમણે ડાબેરીઓના બેવડા ધોરણોની ટીકા પણ કરી છે.

    વોશિંગ્ટન ડીસીમાં એક ભાષણ દરમિયાન તેમણે કહ્યું છે કે, “જમણેરીઓનો સતત વિકાસ થઈ રહ્યો છે અને યુરોપીય રાજકારણમાં વધુમાં વધુ તેઓ પ્રભાવશાળી બની રહ્યા છે. આ જ કારણ છે કે, આજે વામપંથીઓ ગભરાયેલા છે અને ટ્રમ્પની જીત સાથે તેમની મૂંઝવણ હવે ઉન્માદમાં બદલાઈ ગઈ છે.”

    તેમણે કહ્યું કે, “ન માત્ર એટલા માટે કે જમણેરીઓ જીતી રહ્યા છે, પણ એટલા માટે કે, જમણેરીઓ હવે વૈશ્વિક સ્તર પર સહયોગ કરી રહ્યા છે. જ્યારે બિલ ક્વિન્ટન અને ટોની બ્લેયરે 90ના દશકમાં વૈશ્વિક વામપંથી નેટવર્ક બનાવ્યું હતું, તો તેમને સ્ટેટ્સમેન કહેવામાં આવ્યા હતા.”

    વધુમાં તેમણે કહ્યું કે, “આજે જ્યારે ટ્રમ્પ, મેલોની, માઈલી અથવા કદાચ મોદી બોલે છે તો, તેમને લોકતંત્ર વિરુદ્ધ જોખમ ગણાવી દેવામાં આવે છે. આ ડાબેરીઓના બેવડા ધોરણો છે. પરંતુ, અમને હવે તેની આદત પડી ગઈ છે. સારા સમાચાર એ પણ છે કે, લોકો હવે આવા જુઠ્ઠાણાં પર વિશ્વાસ પણ નથી કરતા. અમારા પર જેટલો પણ કીચડ ઉછાળવામાં આવે છે, તેમ છતાં નાગરિકો અમને એટલા જ વોટ આપે છે. કારણ કે, લોકો તેટલા ભોળા નથી, જેટલા વામપંથીઓ તેમને સમજે છે.”