Sunday, March 23, 2025
More

    મહાકુંભમાં ઇટાલિયન શ્રદ્ધાળુઓએ સ્વરબદ્ધ ‘મહિષાસુર મર્દિની’ સ્તોત્રનું કર્યું પઠન: વિદેશી ભક્તોએ કહ્યું- ભારત પાસેથી ઘણું શીખી શકે દુનિયા

    144 વર્ષ બાદ પ્રયાગરાજમાં મહાકુંભનો (Mahakumbh) સંયોગ બન્યો છે. આ દુર્લભ સંયોગની ધન્યતાને અનુભવવા માટે દેશભરના કરોડો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચ્યા છે. માત્ર દેશના જ નહીં, પરંતુ 50થી વધુ અન્ય દેશના શ્રદ્ધાળુઓ પણ પ્રયાગરાજ પહોંચ્યા છે. બ્રાઝિલ, આફ્રિકા, અમેરિકા, ફ્રાંસ, રશિયા સહિત 50 દેશોમાંથી વિદેશી ભક્તો મહાકુંભ પહોંચ્યા છે.

    દરમિયાન વિદેશી શ્રદ્ધાળુઓના અનેક વિડીયો પણ સામે આવી રહ્યા છે. મોટાભાગના વિડીયોમાં વિદેશીઓ ભારતીય પરંપરામાં તરબોળ થતાં જોવા મળે છે અને ભારતીય અધ્યાત્મ દર્શનની ખૂબ પ્રશંસા પણ કરે છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહાકુંભમાં આવેલા વિદેશી ભક્તો ‘મહિષાસુર મર્દિની’ સ્તોત્રનું પઠન કરતાં જોવા મળે છે.

    વિડીયોમાં ઇટાલિયન સ્ત્રીઓ સ્વરબદ્ધ રીતે મહિષાસુર મર્દિની સ્તોત્રનું પઠન કરી રહી છે. સાથે જ તમામ વિદેશી નાગરિકો ભગવા વસ્ત્રોમાં પણ જોવા મળી રહ્યા છે. એક નાગરિકેએ મહાકુંભમાં સ્નાન કર્યા બાદ કહ્યું છે કે, ભારત પાસેથી દુનિયા ઘણું શીખી શકે છે. આ ઉપરાંત અન્ય પણ ઘણા વિદેશીઓએ મહાકુંભમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી છે.