Monday, June 23, 2025
More

    ઉપગ્રહોને ટકરાતા અટકાવવા માટે ISROએ કર્યા 10 મેન્યુવર્સ, સામે આવ્યો રિપોર્ટ

    ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થાએ (ISRO) તાજેતરમાં એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. બે સેટેલાઈટ્સ એકબીજા સાથે ટકરાવાના સંભવિત જોખમને ટાળવા માટે ઈસરોએ 10 અલગ-અલગ મેન્યુવર્સ (કક્ષામાં ફેરફાર) કર્યા હતા.

    ઈસરોના સેટેલાઈટ્સમાંથી બે, જે નીચલી પૃથ્વીની કક્ષામાં (Low Earth Orbit – LEO) ફરતા હતા, તેમની ટકરાવાની સંભાવના દેખાઈ હતી. આવી ટકરાવથી સેટેલાઈટ્સને નુકસાન થઈ શકે અને અંતરિક્ષમાં કચરો (Space Debris) વધી શકે, જે અન્ય સેટેલાઈટ્સ માટે જોખમી બની શકે. આ સ્થિતિને ટાળવા માટે ઈસરોએ તેની અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાત ટીમનો ઉપયોગ કરીને સમયસર પગલાં લીધાં હતા.

    ઈસરોના સ્પેસ સિચ્યુએશનલ અસેસમેન્ટ એન્ડ મેનેજમેન્ટ (SSAM) સેન્ટરે આ સંભવિત ટકરાવની ચેતવણી આપી હતી. ત્યારપછી ઈસરોની ટીમે ઝડપથી કક્ષામાં ફેરફાર કરવાનું શરૂ કર્યું. કુલ 10 મેન્યુવર્સ દ્વારા સેટેલાઈટ્સના માર્ગને બદલવામાં આવ્યો, જેથી તેમની વચ્ચે સલામત અંતર જળવાઈ રહે. આ પ્રક્રિયા દરમિયાન ઈસરોએ અન્ય અંતરિક્ષ એજન્સીઓ સાથે પણ સંકલન કર્યું હતું.

    અહેવાલ અનુસાર ISROએ ઉપગ્રહોની સલામતી માટે તમામ મેન્યુવર યોજનાઓને ‘ક્લોઝ એપ્રોચ રિસ્ક એનાલિસિસ’ હેઠળ મૂકી, જેથી કોઈપણ સંભવિત અથડામણ પૂર્વે ઓળખી શકાય અને તેનાથી બચી શકાય.

    2024માં લો અર્થ ઓર્બિટ (LEO) માટે 89 મેન્યુવર્સ યોજનાઓ તૈયાર કરવામાં આવી હતી. ચંદ્રયાન-2 ઓર્બિટર માટે 14 ઓર્બિટ મેન્ટેનન્સ મેન્યુવર્સ કરવામાં આવ્યા, જેમાંથી 8 વખત અથડામણના જોખમને ધ્યાનમાં રાખીને યોજના બદલવામાં આવી.