Friday, December 6, 2024
More

    એમ્સ્ટર્ડમમાં ફૂટબોલ મેચ બાદ ઇઝરાયેલી સમર્થકો પર હુમલો, લાગ્યા ‘ફ્રી પેલેસ્ટાઇન’ના નારા

    ગુરુવારે (7 નવેમ્બર) સાંજે નેધરલેન્ડ્સની રાજધાની એમ્સ્ટર્ડમમાં (એમ્સ્ટરડેમ) એક ફૂટબોલ મૅચ બાદ ઇઝરાયેલી સમર્થકો પર હુમલો (Attack on Israelis) થવાની ઘટના બની. ઇઝરાયેલી સોકર ક્લબ મક્કાબી તેલ અવીવના સમર્થકો પર હુમલો કરી દેવામાં આવ્યો હતો અને સાથે ‘ફ્રી પેલેસ્ટાઇન’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. 

    ઘટનામાં દસેક યહૂદીઓને ઈજા પહોંચી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે બે વ્યક્તિઓ હજુ લાપતા છે. ઇઝરાયેલીઓને હાલ સુરક્ષિત સ્થળે જ રહેવા માટે જણાવવામાં આવ્યું છે. 

    સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ થયા છે, જેમાં યહૂદીઓ પર અમુક લોકો હુમલો કરતા જોઈ શકાય છે. 

    ઘટનાની જાણ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને કરવામાં આવી હતી. જેમની સૂચના પર પછીથી સરકારે યહૂદીઓને સુરક્ષિત પરત લાવવા માટે બે વિમાનો મોકલ્યાં હતાં. બીજી તરફ, ઇઝરાયેલે નેધરલેન્ડ્સ સરકારને આ મામલે કડક પગલાં લેવા માટે પણ કહ્યું છે. 

    આ મામલે 57 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ છે. બીજી તરફ, હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.