Monday, July 14, 2025
More

    ‘ખામેનેઈ મોડર્ન હિટલર, જીવિત ન રહેવા દેવાય’: હૉસ્પિટલ પર ઈરાનના હુમલા બાદ ઇઝરાયેલી રક્ષામંત્રી

    ઇઝરાયેલ સાથે ચાલતા સંઘર્ષ વચ્ચે ઈરાને તાજેતરમાં મિસાઈલ હુમલા કરીને ઇઝરાયેલમાં અમુક ઠેકાણાંને નિશાન બનાવ્યાં હતાં, જેમાં એક હૉસ્પિટલને પણ ભારે નુકસાન પહોંચ્યું. આ ઘટના બાદ ઇઝરાયેલમાં એક તરફ આક્રોશ છે તો બીજી તરફ ત્યાંના રક્ષા મંત્રીએ જાહેરમાં નિવેદન આપતાં કહ્યું છે કે ખામેનેઈ (ઈરાન સુપ્રીમ લીડર) આજનો હિટલર છે અને તેને જીવતો રહેવા દેવાય તેમ નથી. 

    ઈરાને દક્ષિણ ઇઝરાયેલની એક હૉસ્પિટલ પર મિસાઈલ હુમલો કર્યો હતો, જે અત્યંત ઘાતક નીવડ્યો. હુમલા બાદ આગ લાગી ગઈ અને આખી હૉસ્પિટલને ભરપૂર નુકસાન ગયું હતું. ઉપરાંત તેલ અવીવ નજીક પણ અમુક શહેરોમાં હુમલાઓ કરવામાં આવ્યા. 

    પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ઇઝરાયેલના રક્ષામંત્રી કાટ્ઝે કહ્યું કે, “ખામેનેઈએ જાહેરમાં ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે કે તે ઇઝરાયેલને નષ્ટ કરવા માંગે છે. તેમણે પોતે હૉસ્પિટલો પર હુમલા કરવા માટે આદેશ આપ્યા હતા. તેમના માટે ઇઝરાયેલનો નાશ એ જ એકમાત્ર ધ્યેય હોય તેમ લાગે છે. આવા માણસોને જીવતા રહેવા દેવાય નહીં.”

    તેમણે યહૂદીઓના નરસંહારનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તે સમયે જો ઇઝરાયેલ હોત અને અત્યારે IDF છે એવી મજબૂત સશસ્ત્ર સેના હોત તો આપણે પણ જાણીએ છીએ કે સેનાને મોકલીને યહૂદીઓના શત્રુ હિટલરને પણ ઠેકાણે પાડી દીધો હોત. આપણે IDF મોકલી હોત અને હિટલરને મારી નાખ્યો હોત. અત્યારની પરિસ્થિતિ જોઉં તો મને લાગે છે કે ખામેનેઈ મોડર્ન હિટલર છે.”

    રક્ષામંત્રીને પૂછવામાં આવ્યું કે શું ખામેનેઈને ઠાર કરવો એ ઇઝરાયેલના ‘વૉર ગોલ’માં આવે છે કે નહીં. તેના જવાબમાં તેમણે કહ્યું કે, “યુદ્ધના ઉદ્દેશ્યો એ છે કે પરમાણુ સંબંધિત જોખમો દૂર કરવામાં આવે, મિસાઇલો વગેરેનો નાશ કરવામાં આવે. આ માળખામાં રહીને IDFને કામ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે અને તેઓ પોતાના ધ્યેયો કઈ રીતે પાર પાડવા એ સુપેરે જાણે છે. પણ એ વાતમાં કોઈ શંકા નથી કે આ માણસને જીવતો રહેવા ન દેવાય.”