આતંકવાદી સંગઠન હમાસ વિરુદ્ધ ચાલતા ઑપરેશનમાં ઇઝરાયેલી સશસ્ત્રબળોએ હવે ગાઝામાં સક્રિય હમાસના વડા મોહમ્મદ સિનવારને ઠાર કર્યો છે. તે અગાઉ માર્યા ગયેલા પૂર્વ હમાસ ચીફ યાહ્યા સિનવારનો નાનો ભાઈ હતો. સિનવારના મોત બાદ હમાસની કમાન તેના હાથમાં હતી. ઇઝરાયેલે મોટાભાઈ પાસે પહોંચવા માટે તેની પણ વ્યવસ્થા કરી આપી છે.
આ જાણકારી સ્વયં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આપી હોવાનું વિદેશી મીડિયાના અહેવાલો જણાવી રહ્યા છે.
થોડા દિવસ પહેલાં પણ સમાચાર સામે આવ્યા હતા, જેમાં ઇઝરાયેલના હુમલામાં મોહમ્મદ સિનવાર માર્યો ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે પુષ્ટિ થઈ શકી ન હતી. આખરે વડાપ્રધાને પુષ્ટિ કરી છે.
મોહમ્મદ સિનવાર ઇઝરાયેલના વૉન્ટેડ આતંકવાદીઓની યાદીમાં ટોચના ક્રમે હતો. ઑક્ટોબર 2024માં ઇઝરાયેલી સેનાએ ગાઝાના રાફામાં યાહ્યા સિનવારને ઠાર કર્યા બાદ મોહમ્મદ સિનવારે આતંકવાદી સંગઠનનું નેતૃત્વ પોતાના હાથમાં લીધું હતું. જોકે ઇઝરાયેલે 7 ઑક્ટોબર 2023ના હુમલા બાદ શરૂ કરેલા ઑપરેશનમાં હમાસ અને હિઝબુલ્લાહના અનેક મોટા કમાન્ડરોને ઠાર કરી દીધા છે અને નેતૃત્વની આખી એક પંક્તિ સાફ કરી નાખી છે. 600 દિવસ બાદ હજુ પણ ઇઝરાયેલનું હમાસવિરોધી ઑપરેશન ચાલી જ રહ્યું છે.