Monday, May 19, 2025
More

    યમનમાં હૂતીઓ પર વરસી પડી ઇઝરાયેલી સેના: 20 ફાઇટર જેટ્સે અનેક ઠેકાણાં કર્યા તબાહ, PM નેતન્યાહુએ પોતે આપ્યા કમાન્ડ

    ઇઝરાયેલે (Israel) 6 મે, 2025ના રોજ યમનમાં હૂતી (Houthi) વિદ્રોહીઓ સામે હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહી ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના (Benjamin Netanyahu) નેતૃત્વ હેઠળ થઈ, જેમાં હૂતીઓના લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. આ હુમલા હૂતીઓ દ્વારા ઇઝરાયેલ પર કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલાઓના જવાબમાં હોવાનું માનવામાં આવે છે.

    આજતકના અહેવાલ મુજબ, ઇઝરાયેલી વાયુસેનાએ યમનના ત્રણ મુખ્ય વિસ્તારો અલ-હુદૈદાહ, સના અને સાદામાં કુલ પાંચ હવાઈ હુમલા કર્યા. અલ-હુદૈદામાં હૂતીઓના હથિયાર ડેપો અને ડ્રોન પ્રોડક્શન સેન્ટર, સનામાં કમાન્ડ સેન્ટર અને સાદામાં મિસાઈલ લોન્ચિંગ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા.

    અહેવાલ મુજબ ઇઝરાયલી સેનાના જણાવ્યા અનુસાર, લગભગ 20 ફાઇટર જેટ્સે યમનના દરિયાકાંઠાના વિસ્તારમાં હુતી બંદરને નિશાન બનાવ્યું છે. ઇઝરાયલી સેનાએ જેટ વિમાનોનો ઉપયોગ કરીને હૂતી ઠેકાણાઓ પર 50  વધુ બોમ્બ ફેંક્યા છે.

    આ મામલે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે પોસ્ટ કરીને માહિતી આપતા લખ્યું હતું કે, “યમનના દરિયાકાંઠે હૂતી આતંકવાદી સ્થળો પર IAF લડાકુ વિમાનોએ હુમલો કર્યો. હૂતી દ્વારા ઇઝરાયલ પર વારંવાર કરવામાં આવતા હુમલાઓના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો હતો, જે દરમિયાન ઇઝરાયલી નાગરિકો પર જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલો અને UAV છોડવામાં આવ્યા હતા.”