Saturday, July 12, 2025
More

    અમેરિકાના ઑપરેશન બાદ ઇઝરાયેલે ફરી શરૂ કરી કાર્યવાહી: પશ્ચિમ ઈરાનમાં સૈન્ય ઠેકાણાંને કર્યાં ટાર્ગેટ, ફાઈટર જેટ ઉડાવ્યાં 

    ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં રવિવારે (22 જૂન) ઇઝરાયેલે પશ્ચિમ ઈરાન સ્થિત ઈરાની સુરક્ષાદળોનાં ઠેકાણાંને નિશાન બનાવ્યાં. ઇઝરાયેલી સશસ્ત્ર બળોના (IDF) સત્તાવાર X એકાઉન્ટ પરથી આ જાણકારી આપવામાં આવી છે. પોસ્ટમાં IDFએ જણાવ્યું તેમણે ઈરાનની સેના દ્વારા ઇઝરાયેલ પર હુમલો કરવા માટે તૈયાર કરવામાં આવી રહેલાં મિસાઈલ લૉન્ચરો ટાર્ગેટ કર્યાં, જેમાં મોટાભાગના નાશ પામ્યાં છે.

    અન્ય એક પોસ્ટમાં ઈઝરાયેલી સુરક્ષાદળોએ છેલ્લા 24 કલાકમાં શું-શું કર્યું તેની માહિતી આપતાં લખ્યું કે, ઈરાનના દેઝફુલ એરપોર્ટ પર ઈરાની સશસ્ત્ર દળોનાં બે F-5 ફાઇટર જેટ્સ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ IDFએ ઈરાન દ્વારા હુમલા માટે તૈયાર કરાયેલાં 8 મિસાઈલ લોન્ચર્સને નિષ્ક્રિય કર્યાં હતાં. જેમાં 6 એવાં લૉન્ચર્સ હતાં, જે ઇરાને ઇઝરાયલ તરફ તાત્કાલિક લોન્ચ માટે રાખ્યાં હતાં.

    આ ઉપરાંત ઇઝરાયેલે 20થી વધુ IAF ફાઇટર જેટ્સ મોકલી ઈરાનમાં ડઝનથી વધુ લશ્કરી ઠેકાણાં પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલે જણાવ્યું કે, આ ઠેકાણાં પર ઈરાન યુદ્ધ માટે વિસ્ફોટક સામગ્રી બનાવી રહ્યું હતું. ઈઝરાયેલે દાવો કર્યો છે કે તેઓએ ઈસ્ફહાન એરપોર્ટ પર આવેલા સૈન્ય ઠેકાણા ઉપર પણ હુમલો કર્યો છે, જેથી ઈરાની વાયુસેના ઇઝરાયેલ પર હુમલા માટે તેનો ઉપયોગ ન કરી શકે. આ સાથે જ પોસ્ટમાં ઇઝરાયેલે એર સ્ટ્રાઈકની કાર્યવાહીનો વિડીયો પણ શેર કર્યો છે.