Monday, March 10, 2025
More

    એક તરફ શરૂ થયો રમજાન, બીજી તરફ બંધ થઈ ગયાં ગાઝાનાં ભોજન-પાણી: હમાસે યુદ્ધવિરામ લંબાવવા આનાકાની કરતાં ઇઝરાયેલે તાત્કાલિક બંધ કરી દીધી સહાય

    એક તરફ ઇસ્લામિક મહિનો રમજાન શરૂ થઈ રહ્યો છે. બીજી તરફ મધ્ય-પૂર્વમાં છેલ્લા દોઢેક વર્ષથી બાખડતા ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી તણખા ઝરવાના શરૂ થયા છે. કારણ એ છે કે બંને વચ્ચે નક્કી થયેલ યુદ્ધવિરામના પ્રથમ તબક્કાનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે. અમેરિકાના પ્રસ્તાવથી ઇઝરાયેલ આ યુદ્ધવિરામ લંબાવવા માટે રાજી થઈ ગયું છે, પરંતુ હમાસ આનાકાની કરી રહ્યું છે. પરિણામે ઇઝરાયેલી સરકારે ગાઝામાં પહોંચાડવામાં આવતી સહાય બંધ કરી દીધી છે. 

    ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું કે, હોસ્ટેજ ડીલનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ અને વાટાઘાટો ચાલુ રાખવા માટે વિટકોફ ફ્રેમવર્કને સ્વીકારવાના હમાસના ઇનકાર બાદ વડાપ્રધાન નેતન્યાહુએ નિર્ણય કર્યો છે કે ગાઝા પટ્ટીમાં પહોંચાડવામાં આવતાં સામાન અને પુરવઠા પર રોક લગાવી દેવામાં આવે. 

    ઉલ્લેખનીય છે કે રમજાન 1 માર્ચથી જ શરૂ થયો છે અને ગાઝામાં લગભગ આખી વસ્તી જ મુસ્લિમ સમુદાયની છે. જોકે ઇઝરાયેલનું કહેવું છે કે પાછલાં અઠવાડિયાંમાં ત્યાં એટલો પુરવઠો પહોંચી ચૂક્યો છે કે આવનારા ઘણા સમય સુધી ભોજન-પાણી, જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓમાં તેમને કોઈ તકલીફ પડે એમ નથી.

    ઈઝરાયેલે સ્પષ્ટ ભાષામાં જણાવ્યું છે કે તેઓ બંધકોની મુક્તિ વગર કોઈ વાત સ્વીકારશે નહીં કે યુદ્ધવિરામ કરશે નહીં. સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે હમાસે આવું જ ચાલ્યું રાખ્યું તો દુષ્પરિણામો ભોગવવાં પડશે. 

    સ્ટીવ વિટકોફ વાસ્તવમાં ઇઝરાયેલમાં અમેરિકાના રાજદૂત છે. તેમણે યુદ્ધવિરામ માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ઇઝરાયેલે સ્વીકારી લીધો છે. પ્રસ્તાવ એવો છે કે યુદ્ધવિરામ લંબાવવામાં આવે અને તેનો અમલ શરૂ થાય તેના પ્રથમ દિવસે જ બંધકોમાંથી પચાસ ટકાને મુક્ત કરી દેવાં આવે. બાકીનાને જ્યારે સંપૂર્ણ યુદ્ધવિરામ પર પહોંચવામાં આવે ત્યારે મુક્ત કરાય.