Sunday, March 9, 2025
More

    સરકારી વેબસાઈટ પર હતો કાશ્મીરને ખોટી રીતે દર્શાવતો નકશો, ભારતીયોએ ફરિયાદ કરી તો ઇઝરાયેલે હટાવ્યો: રાજદૂતે કહ્યું- એડિટરની ભૂલ

    ઇઝરાયેલ અને ભારતના દ્વિપક્ષીય સંબંધો કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ આસમાન આંબી રહ્યા છે. હાલ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે પણ ભારતે દરેક વખતે આતંકવાદ વિરુદ્ધ ઇઝરાયેલનું સમર્થન કર્યું છે. પરંતુ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક ચર્ચા શરૂ થઈ હતી, જેમાં ફરિયાદ કરવામાં આવી કે ઇઝરાયેલ ભારતનું સમર્થક ખરું, પરંતુ પોતાની વેબસાઈટ પર દેશનો ખોટો નકશો દર્શાવે છે. 

    જિઓપોલિટિક્સ એક્સપર્ટ અભિજીત ચાવડાએ X પર એક પોસ્ટમાં લખ્યું હતું, ‘ભારત ઇઝરાયેલ સાથે ઊભું છે, પણ શું ઇઝરાયેલ ભારત સાથે છે? ઇઝરાયેલની અધિકારિક વેબસાઇટ પર ભારતનો નકશો જુઓ અને જમ્મુ-કાશ્મીર ક્યાં છે એ જુઓ.’ 

    તેમણે ઇઝરાયેલી વેબસાઇટનો જે સ્ક્રીનશૉટ મૂક્યો હતો તેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ દર્શાવવામાં આવ્યું હતું. 

    આ પોસ્ટ વાયરલ થયા બાદ ઇઝરાયેલે તરત ભૂલ સુધારી લીધી હતી. ભારતમાં ઇઝરાયેલના રાજદૂત રેવેન અઝરે લખ્યું કે, ‘વેબસાઈટના એડિટરની ભૂલ છે. આ ધ્યાન દોરવા બદલ આભાર. નકશો હટાવી દેવામાં આવ્યો છે.’ 

    જે વેબસાઈટ પર નકશો હતો તે ઇઝરાયેલી સરકારની દૂતાવાસોની જાણકારી આપતી વેબસાઈટ હતી. હાલ તેને કામચલાઉ ધોરણે ડાઉન કરી દેવામાં આવી છે. સંભવતઃ નકશો સુધારીને ફરીથી ચાલુ કરવામાં આવશે.