Monday, June 9, 2025
More

    ઇઝરાયેલે ગાઝા પટ્ટી જતા ‘એક્ટિવિસ્ટો’ના જહાજને રોક્યું: ગ્રેટા થનબર્ગ સહિત 12ની અટકાયત, કહ્યું- તેમના દેશ પરત મોકલી દઈશું

    ઇઝરાયેલના (Israel) સૈન્યએ ગાઝા સ્ટ્રીપ (Gaza Stripe) તરફ જઈ રહેલા ફ્રીડમ ફ્લોટિલા કોએલિશનના (FFC) એક જહાજ ‘મેડલીન’ પર કબજો કર્યો છે. આ જહાજ ઇઝરાયેલની નેવીની સિક્યુરીટીને તોડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ જહાજ પર વિશ્વવિખ્યાત એન્વાયરમેન્ટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) સહિત 12 એક્ટિવિસ્ટો સવાર હતા, જેમને ઇઝરાયેલના સૈન્યએ 9 જૂને અટકાયતમાં લીધા છે.

    ‘મેડલીન’ નામનું આ જહાજ 1 જૂન, 2025ના રોજ ઇટાલીના સિસિલીના કેટેનિયા બંદરેથી રવાના થયું હતું, જે ગાઝા તરફ જઈ રહ્યું હતું. જહાજમાં સવાર એક્ટિવિસ્ટોનું કહેવું હતું કે તે ગાઝાના નાગરિકોને મદદ પહોંચાડવા જઈ રહ્યા છે. ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયેલ કાટ્ઝે રવિવારે (8 જૂન, 2025) ઇઝરાયેલી સૈન્યને આદેશ આપ્યો હતો કે ‘મેડલીન’ જહાજને ગાઝા પહોંચતા અટકાવવું.

    તેમણે જણાવ્યું હતું કે, “ઇઝરાયેલ હમાસને શસ્ત્રો પહોંચતા રોકવા માટે નૌકાદળનો અવરોધ જાળવી રાખશે.” ઇઝરાયેલે દાવો કર્યો છે કે જહાજ પરના એક્ટિવિસ્ટોને સુરક્ષિત રીતે ઇઝરાયેલના બંદરે લઈ જવામાં આવ્યા છે અને તેમને તેમના દેશોમાં પરત મોકલવામાં આવશે.

    ‘મેડલીન’ જહાજ પર ગ્રેટા થનબર્ગ ઉપરાંત ફ્રેન્ચ યુરોપિયન સંસદના સભ્ય રીમા હસન, ‘ગેમ ઓફ થ્રોન્સ’ના અભિનેતા લિયામ કનિંગહામ અને બ્રાઝિલના એક્ટિવિસ્ટ થિયાગો આવિલા સહિત જર્મની, ફ્રાન્સ, ટર્કી, સ્વીડન, સ્પેન અને નેધરલેન્ડ્સના એક્ટિવિસ્ટો હતા.