આતંકવાદને જડમૂળમાંથી ખતમ કરી નાખવા માટે લાગેલા ઇઝરાયેલે હવે વેસ્ટ બેન્ક સ્થિત સક્રિય આતંકવાદી સંગઠન પેલેસ્ટેનિયન ઇસ્લામિક જેહાદના વડાને ઉડાવી દીધો છે.
મોહમ્મદ અબ્દુલ્લાહ નૂર શમ્સ શરણાર્થી કેમ્પમાં સંતાઈને બેઠો હતો. જ્યાં ગુરુવારે (10 ઑક્ટોબર) ઇઝરાયેલે એરસ્ટ્રાઇક કરી હતી. આ હુમલામાં તે માર્યો ગયો. ઇઝરાયેલી સેના (IDF) દ્વારા આ બાબતની પુષ્ટિ કરવામાં આવી છે.
અબ્દુલ્લાહને ગત ઑગસ્ટ મહિનામાં જ આતંકવાદી સંગઠનનો વડો બનાવવામાં આવ્યો હતો. તે પહેલાં મુહમ્મદ જબ્બાર નામનો આતંકવાદી સંગઠન સંભાળતો હતો, પરંતુ ઑગસ્ટમાં ઇઝરાયેલી સેનાએ તેને પણ ફૂંકી માર્યો હતો.
ઇઝરાયેલી સેનાએ જણાવ્યું કે, આ આતંકવાદીઓ ઇઝરાયેલ વિરુદ્ધ હુમલાઓ માટે જવાબદાર હતા અને ઇઝરાયેલી સૈનિકો પર વિસ્ફોટકો વડે હુમલા કરતા હતા. તેમની પાસેથી સેનાને સેમીઑટોમેટિક રાઇફલો અને અન્ય હથિયારો મળી આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે વેસ્ટ બેન્ક એ ઇઝરાયેલની પૂર્વમાં આવેલો એક વિસ્તાર છે, જ્યાં પેલેસ્ટેનિયન ઑથોરિટીનું નિયંત્રણ છે. વેસ્ટ બેન્ક અને ગાઝા પટ્ટી મળીને પેલેસ્ટાઇન તરીકે ઓળખાય છે. અહીં પેલેસ્ટેનિયન ઇસ્લામિક જેહાદ નામનું એક આતંકી સંગઠન સક્રિય છે, જેને પણ ઈરાનનું સમર્થન છે.