Monday, March 17, 2025
More

    ગાઝાની મસ્જિદમાં કમાન્ડ સેન્ટર ચલાવતા હતા હમાસના આતંકવાદીઓ, ઇઝરાયેલી સેનાએ એરસ્ટ્રાઈક કરીને ધ્વસ્ત કરી

    ગાઝા પટ્ટી સ્થિત આતંકવાદી સંગઠન હમાસ સાથે ચાલતા યુદ્ધ દરમિયાન ઇઝરાયેલી સેનાએ તાજેતરમાં એક મસ્જિદને નિશાન બનાવી. અહીં આતંકી સંગઠન ટેરર કમાન્ડ સેન્ટર ચલાવી રહ્યું હતું, જેને એરસ્ટ્રાઈક કરીને ફૂંકી મારવામાં આવ્યું. 

    આ કાર્યવાહી ગાઝાના મધ્ય ભાગમાં આવેલ અલ-અક્સા હોસ્પિટલની નજીક આવેલી શુહાદા મસ્જિદ પર કરવામાં આવી. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે, તેમણે પિનપોઈન્ટ એરસ્ટ્રાઈક કરીને હમાસનું કન્ટ્રોલ સેન્ટર ઉડાવી દીધું હતું. 

    ઇઝરાયેલી સેનાએ જણાવ્યું કે, હમાસના આતંકવાદીઓ આ કમાન્ડ સેન્ટરનો ઉપયોગ ઇઝરાયેલી સેના પર હુમલો કરવા માટે રણનીતિ ઘડવા માટે કરતા હતા. જેનાં ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ મળ્યા બાદ ઇઝરાયેલી વાયુસેનાએ કાર્યવાહી હાથ ધરી. સાથે જણાવવામાં આવ્યું કે, કાર્યવાહી એ રીતે કરવામાં આવી હતી કે માત્ર આતંકી ઠેકાણાને જ નુકસાન થાય અને નાગરિકોને કોઈ અસર ન પહોંચે. 

    આ સિવાય IDFએ ગાઝા સ્થિત એક શાળાને પણ ટાર્ગેટ બનાવી હતી, જ્યાં પણ આ જ રીતે હમાસનું કમાન્ડ સેન્ટર ધમધમતું હતું. 

    હમાસ જ્યારે બીજી તરફ દાવો કરી રહ્યું છે કે ઇઝરાયેલે વિસ્થાપિત લોકોને જ્યાં રાખવામાં આવ્યા હતા તે મસ્જિદ અને શાળા પર હુમલો કર્યો અને તેમાં 24 લોકોનાં મોત થયાં છે અને 93ને ઈજા પહોંચી છે. પરંતુ એ નોંધવું જોઈએ કે હમાસ પોતાનાં ઠેકાણાં નાગરિકોની વસાહતોની વચ્ચે જ રાખતું આવ્યું છે અને જ્યારે-જ્યારે ઇઝરાયેલ હુમલો કરે ત્યારે રોદણાં રડવાનાં શરૂ કરી દે છે.