Sunday, June 22, 2025
More

    પાકિસ્તાન હાઈકમિશનમાં અંડરકવર કામ કરી રહ્યો હતો ISI ઑપરેટિવ એહસાન ઉર રહીમ, ‘પર્સોના નોન ગ્રાટા’ જાહેર થયા બાદ ભારત છોડવા આદેશ

    ભારતે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈકમિશનમાં કાર્યરત એહસાન ઉર રહીમ ઉર્ફે દાનિશ નામના પાકિસ્તાનીને ISI તરફથી જાસૂસી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ ‘પર્સોના નોન ગ્રાટા’ જાહેર કર્યો છે. અહેવાલો અનુસાર, વિદેશ મંત્રાલયે મંગળવાર, 13 મેના રોજ પાકિસ્તાન હાઈકમિશનને આ વાત જણાવી છે. એહસાન ઉર રહીમ નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશનમાં સ્ટાફ મેમ્બર તરીકે કામ કરતો હતો અને તેને 24 કલાકની અંદર ભારત છોડી દેવાનું કહેવામાં આવ્યું છે.

    વિદેશ મંત્રાલયના એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે , “ભારત સરકારે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશનમાં કાર્યરત એક પાકિસ્તાની અધિકારીને ભારતમાં તેમના સત્તાવાર દરજ્જા સાથે મેળ ખાતી ન હોય તેવી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પર્સોના નોન ગ્રાટા જાહેર કર્યા છે. અધિકારીને 24 કલાકની અંદર ભારત છોડવાનું કહેવામાં આવ્યું છે. પાકિસ્તાન હાઈકમિશનના ચાર્જ ડી’ અફેર્સે આજે આ અંગે ડિમાર્ચ જારી કર્યું હતું.”

    અહેવાલો અનુસાર, પંજાબ પોલીસે ગયા અઠવાડિયે અમૃતસરમાં રહીમ માટે ભારતીય સેનાની જાસૂસી કરતા બે વ્યક્તિઓની ધરપકડ કર્યા બાદ આ કાર્યવાહી ધરાઈ છે. ધરપકડ કરાયેલા વ્યક્તિઓના સંપર્ક તરીકે રહીમની ઓળખ કરવામાં આવી હતી અને પંજાબ પોલીસે કેન્દ્ર સરકારને જાણ કર્યા પછી MEAએ રહીમને 24 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપ્યો હતો.