ઇઝરાયેલ તરફથી સતત મળી રહેલી હત્યાની ધમકીઓના પગલે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની પરિવાર સાથે બંકરમાં છુપાયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ હવે જાણવા મળી રહ્યું છે કે, તેમણે ત્રણ મૌલવીઓને પોતાના સંભવિત ઉત્તરાધિકારીઓ તરીકે પસંદ કર્યાં છે. ન્યૂયોર્ક ટાઈમે ત્રણ ઈરાની અધિકારીઓનો હવાલો આપીને આ વિશે માહિતી આપી છે.
અધિકારીઓને ટાંકીને કહેવાયું છે કે, આયાતુલ્લા ખામેનીએ ઇઝરાયેલી હુમલામાં માર્યા ગયેલા શીર્ષ સૈન્ય કમાન્ડરોના સ્થાને નવા લોકોની નિયુક્તિ શરૂ કરી દીધી છે. વધુમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, તેમણે પોતાના ઉત્તરાધિકારી અંગે પસંદગી કરી છે. જોકે, તેમણે પોતાના પુત્રને આ લિસ્ટમાંથી બાકાત રાખ્યો હોવાનું કહેવાય રહ્યું છે.
નોંધનીય છે કે, આ પહેલાં ઇઝરાયેલના વડાપ્રધાને જાહેરમાં નિવેદન આપ્યું હતું કે, મધ્યપૂર્વમાં ત્યાં સુધી શાંતિ સ્થાપિત નહીં થઈ શકે, જ્યાં સુધી ખામેનીની હત્યા નહીં કરવામાં આવે. તે સિવાય ઇઝરાયેલના અન્ય પણ ઘણા આધિકારિક લોકોએ ખામેનીની હત્યા મામલે ધમકીઓ આપી હતી. જેના પગલે ખામેની પરિવાર સાથે બંકરમાં છુપાયા હતા