Sunday, November 3, 2024
More

    અયાતુલ્લાહ અલી ખામેનેઈ ગંભીર રીતે બીમાર, પુત્ર બની શકે ઈરાનનો સુપ્રીમ લીડર: રિપોર્ટ

    ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે વિદેશી મીડિયાના અહેવાલો જણાવે છે કે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેનેઈ (Ayatollah Khamenei) ગંભીર રીતે બીમાર છે અને તેમનો મોટો પુત્ર આગામી સુપ્રીમ લીડર બની શકે છે. 

    આ બાબત ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના એક રિપોર્ટમાં જણાવવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું કે, 85 વર્ષીય સુપ્રીમ લીડરની તબિયત હવે ઠીક નથી અને ગંભીર રીતે બીમાર છે. જોકે, તેમને ચોક્કસ કઈ બીમારી છે તે જાણવા મળ્યું નથી. 

    રિપોર્ટ્સ જણાવે છે કે, અલી હુસૈની ખામેનેઈનો મોટો પુત્ર મુજતબા ખામેનેઈ (55) હવે દેશનો આગામી સુપ્રીમ લીડર બની શકે. 

    ઉલ્લેખનીય છે કે અલી ખામેનેઈ ઈરાનના બીજા સુપ્રીમ લીડર છે. તેઓ 1989થી આ પદ સંભાળી રહ્યા છે. તે પહેલાં તેઓ 1981થી 1989 સુધી ઈરાનના રાષ્ટ્રપતિ પણ રહ્યા હતા. પ્રથમ સુપ્રીમ લીડર અયોતુલ્લાહ ખુમૈનીના મૃત્યુ બાદ ખામેનેઈને સુપ્રીમ લીડર નીમવામાં આવ્યા હતા. 

    ઈરાનમાં સુપ્રીમ લીડર પાસે સર્વોચ્ચ સત્તા હોય છે. પરંતુ તેમની ચૂંટણી થતી નથી પણ શિયા નેતાઓનો એક સમૂહ એક નેતાનું નામ નક્કી કરે છે, જે સુપ્રીમ લીડર બને છે. તે રાષ્ટ્રપતિ કરતાં પણ વધુ શક્તિશાળી હોય છે.