Monday, July 14, 2025
More

    ઈરાને કરેલ મિસાઈલ હુમલામાં 3 નાગરિકોના મોત, અનેક ઘાયલ: ઇઝરાયેલે ઇસ્લામી દેશ પર કર્યો વળતો પ્રહાર

    ઇઝરાયેલ અને ઈરાન (Israel Iran Conflict) વચ્ચે ચાલી રહેલ સંઘર્ષે સમગ્ર વિશ્વનું ધ્યાન મધ્યપૂર્વ તરફ કેન્દ્રિત કર્યું છે. તાજેતરમાં આવેલ અહેવાલ મુજબ ઈરાને ઇઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલો (Ballistic Missile Attack) દ્વારા હુમલા કર્યા હતા. ઇઝરાયેલે આ હુમલા રોક્યા હતા પરંતુ કેટલીક જગ્યાએ મિસાઈલોના કારણે ઘણું નુકસાન પહોંચ્યું છે. જેમાં તેલ અવીવ પણ સામેલ છે.

    અહેવાલ અનુસાર, ઈરાને કરેલ હુમલાના પગલે 3 ઇઝરાયેલી નાગરિકોએ જીવ ગુમાવ્યો છે અને ઘણા ઘાયલ છે. તેલ અવીવ અને અન્ય શહેરોની ઇમારતોને નોંધપાત્ર નુકસાન થયું છે. નોંધનીય છે કે ઇઝરાયેલની હવાઈ સંરક્ષણ વ્યવસ્થાએ ઘણી મિસાઇલોને અટકાવી હતી, પરંતુ કેટલીક મિસાઇલો નિશાન પર પહોંચી હતી.

    આ અંગે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે પુષ્ટિ આપી હતી. IDFએ X પર લખ્યું હતું કે, “અમે દિવસમાં એક જ વાત ઘણી વખત પોસ્ટ કરવા નથી માંગતા, પરંતુ ઈરાન દ્વારા ઈઝરાયલ પર વધુ બેલિસ્ટિક મિસાઈલો છોડવામાં આવતા લાખો ઇઝરાયલીઓ આશ્રય માટે ભાગી રહ્યા છે.”

    ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું કે ઈરાનના પરમાણુ જોખમને નાબૂદ કરવા માટે ‘ઑપરેશન રાઇઝિંગ લાયન’ ચાલુ રહેશે, જ્યારે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખામેનીએ ઇઝરાયેલને ‘કડક સજા’ની ચેતવણી આપી છે. બંને દેશો હાઈ એલર્ટ પર છે અને આગામી દિવસોમાં સ્થિતિ વધુ જટિલ બની શકે છે. વધુમાં ઇઝરાયેલે ઇસ્લામી દેશ ઈરાન પર વળતો પ્રહાર કર્યો હોવાનું સામે આવ્યું છે.