Wednesday, July 9, 2025
More

    યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાને ભારત માટે ખોલી એરસ્પેસ, સ્પેશિયલ ફ્લાઇટ મારફતે બે દિવસમાં 1000 નાગરિકોને પરત લવાશે

    ઇઝરાયેલ સાથે ચાલતા સંઘર્ષના કારણે ઈરાને પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે, પરંતુ હવે ભારતીય વિદ્યાર્થીઓના એરલિફ્ટિંગ માટે ફ્લાઈટો ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી ઈરાનથી જે ભારતીય નાગરિકો પરત આવવા માંગે છે તેમને ફ્લાઇટ મારફતે સરકાર પરત લાવશે. 

    અહેવાલો અનુસાર, ભારતીય નાગરિકોનું પહેલું જૂથ શુક્રવારે (20 જૂન) આવવા રવાના થશે અને રાત્રે દિલ્હી એરપોર્ટ ખાતે લેન્ડ કરશે. બે દિવસમાં કુલ એક હજાર ભારતીય નાગરિકો આ ઑપરેશન હેઠળ ભારત લાવવામાં આવશે તેવું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. 

    પહેલી ફ્લાઇટ શુક્રવારે રાત્રે ભારત આવશે. બીજી અને ત્રીજી ફ્લાઇટ શનિવાર માટે શિડ્યુલ કરવામાં આવી છે. જેમાંથી એક સવારે આવશે અને બીજી સાંજે ઉતરશે. 

    આમ તો ઈરાનનું હવાઈક્ષેત્ર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે બંધ છે, કારણ કે ઈરાન અને ઇઝરાયેલ બંને દેશો એકબીજા પર મિસાઈલ મારો કરી રહ્યા છે. પરંતુ ભારતને પોતાના નાગરિકોને બચાવવા માટે વિશેષ કોરિડોર પૂરું પાડવામાં આવ્યું છે અને જે હેઠળ ફ્લાઈટોને પરવાનગી આપવામાં આવશે. બાકીની ફ્લાઇટ્સ હાલ બંધ જ રહેશે. 

    ભારત સરકારે ઈરાન અને ઇઝરાયેલથી નાગરિકોને પરત લાવવા માટે એક વિશેષ ઑપરેશન લૉન્ચ કર્યું છે, જેને ઑપરેશન સિંધુ નામ આપવામાં આવ્યું છે. ઈરાનમાં હાલ ચાર હજારથી વધુ ભારતીયો રહે છે અને તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે.