Saturday, April 12, 2025
More

    હુમલામાં 2 સૈનિકો માર્યા ગયા હોવાનું ઈરાને સ્વીકાર્યું, ઇઝરાયેલે સૈન્ય ઠેકાણાં પર કરી હતી એરસ્ટ્રાઈક

    ઇઝરાયેલે ઈરાન (Israel-Iran) પર કરેલા હુમલામાં ઈરાનની સેનાના 2 સૈનિકો માર્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ સમાચાર ઈરાનની સમાચાર એજન્સી પરથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં ઈરાનની સેનાએ આધિકારિક નિવેદનમાં આ બાબતની પુષ્ટિ કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    ઈરાની ન્યૂઝ એજન્સી ‘તસ્નીમ’ના રિપોર્ટ અનુસાર, ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈકમાં તેમની સેનાના બે સૈનિકો માર્યા ગયા છે. ઈરાની સેનાએ ઇઝરાયેલ પર 26 ઑક્ટોબરની રાત્રે અચાનક હુમલો કરવાનો આરોપ લગાવીને કહ્યું કે, તેમણે હુમલાને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 

    ઈરાનની સેનાનો દાવો છે કે તેમણે પ્રતિકાર કરીને ઘણુંખરું નુકસાન ઓછું કરી નાખ્યું હતું અને જે નુકસાન થયું છે તે કેટલા પ્રમાણમાં થયું છે તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે. 

    નોંધવું જોઈએ કે 1 ઑક્ટોબરે ઈરાને કરેલા મિસાઈલ હુમલા બાદથી જ ઇઝરાયેલના વળતા જવાબની રાહ જોવામાં આવી રહી હતી. જોકે, ઇઝરાયેલે પણ હાથ હળવો જ રાખ્યો છે અને ન્યુક્લિયર કે ઊર્જા સ્ત્રોતોને નિશાન બનાવ્યા નથી અને માત્ર એવાં જ ઠેકાણાં તબાહ કર્યાં છે જેથી ભવિષ્યમાં ઈરાન હુમલો ન કરી શકે.