Monday, July 14, 2025
More

    ન્યુક્લિયર ઠેકાણાં પર હુમલા થયા હોવાનું ઈરાને સ્વીકાર્યું, વળતો જવાબ આપવા ઇઝરાયેલ પર કર્યા ડ્રોન અટેક, પણ IDFએ કહ્યું– 100 હુમલા કરાયા નિષ્ફળ

    શુક્રવારે (13 જૂન) ઇઝરાયેલે ઈરાનના અનેક ઠેકાણાં પર હુમલો કર્યો હતો. જેમાં અનેક સૈન્ય ઠેકાણાં અને ન્યુક્લિયર સાઇટ્સને ટાર્ગેટ કરવામાં આવી હતી. આ હુમલામાં ઈરાની સેનાના પ્રમુખ સહિત 2 પરમાણુ વૈજ્ઞાનિકો અને અન્ય ઘણા અધિકારીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઈરાની મીડિયાએ પણ તહેરાનમાં વિસ્ફોટના અવાજ સંભળાયા હોવાનું જણાવ્યું હતું. જે બાદ હવે આધિકારિક રીતે ઈરાને સ્વીકાર્યું છે કે, ઇઝરાયેલે તેમની ન્યુક્લિયર સાઇટ્સ પર હુમલો કર્યો હતો. 

    ઈરાનના પરમાણુ ઉર્જા સંગઠને એક નિવેદનમાં કહ્યું છે કે, નાતાન્ઝ સ્થિત ઈરાની ન્યુક્લિયર ફેસિલિટી શુક્રવારના રોજ ઇઝરાયેલના હુમલામાં ક્ષતિગ્રસ્ત થઈ છે. હુમલામાં ઠેકાણાંના અનેક ભાગોમાં નુકસાન થયું હોવાનું કહેવામાં આવ્યું છે. વધુમાં ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે, તેમણે ઈરાનમાં 100થી વધુ ઠેકાણાં પર હુમલો કર્યો છે. 

    આ ઉપરાંત ઇઝરાયેલી હુમલાના વળતા જવાબમાં ઈરાને 100 ડ્રોનથી ઇઝરાયેલ પર હુમલો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે તમામ હુમલા અટકાવ્યા હોવાનો દાવો કર્યો છે. ઇઝરાયેલે જણાવ્યું છે કે, તેમણે ઈરાનના 100થી વધુ ડ્રોનને નિષ્ફળ બનાવ્યા છે. તે સિવાય ઇઝરાયેલમાં નાગરિક સુરક્ષાને લઈને ઇમરજન્સી જાહેર કરવામાં આવી હોવાનું પણ કહેવાય રહ્યું છે.