Friday, June 20, 2025
More

    મૈતેઈ નેતાની ધરપકડ બાદ મણિપુરમાં ફરી હિંસક પ્રદર્શનો, પાંચ જિલ્લાઓમાં ઈન્ટરનેટ બંધ 

    મણિપુરના (Manipur) અમુક ભાગોમાં ફરી અસ્થિરતા સર્જાતાં સાવચેતીના ભાગરૂપે પાંચ જિલ્લાઓમાં ઇન્ટરનેટ (Internet) બંધ કરી દેવામાં આવ્યું છે. પાંચ જિલ્લાઓ ઇમ્ફાલ વેસ્ટ, ઇમ્ફાલ ઇસ્ટ, વિષ્ણુપુર, કાકચિંગ અને થૌબલમાં ઈન્ટરનેટ સેવાઓ અસ્થાયીરૂપે સ્થગિત કરી દેવામાં આવી. 

    વાસ્તવમાં શનિવારે મૈતેઈ સમુદાયના એક નેતાની ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે સ્થિતિ તણાવપૂર્ણ થઈ. 

    નેતાની ધરપકડ બાદ શનિવારે રાત્રે પ્રદર્શનો શરૂ થઈ ગયાં હતાં, જે પછી હિંસામાં ફેરવાયાં. પ્રદર્શન કરનારાઓએ રસ્તા પર ટાયરો અને ફર્નિચર સળગાવવાનું શરૂ કરીને નેતાની મુક્તિની માંગ કરી. સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે પછીથી પ્રશાસને વધુ સુરક્ષાબળો બોલાવ્યાં હતાં. 

    ઈન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય જાહેર કરતાં પ્રશાસને કહ્યું કે, અસામાજિક તત્વો સોશિયલ મીડિયાના માધ્યમથી ભડકાઉ વાતો પ્રસારિત કરી શકે છે, જેનાથી શાંતિભંગ થવાની સંભાવનાઓ છે અને તેના કારણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સર્જાય શકે છે. આદેશનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. 

    મણિપુરમાં હાલ રાષ્ટ્રપતિ શાસન લાગુ છે, જેથી વહીવટ રાજ્યપાલના હાથમાં છે. પૂર્વ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા હાલ મણિપુરના રાજ્યપાલ છે.