Tuesday, March 11, 2025
More

    ઈન્ફોસિસના કો-ફાઉન્ડર પર SC/ST એક્ટ હેઠળ નોંધાયો કેસ: આરોપ- યુવકને હનીટ્રેપ કેસમાં ફસાવીને IIScની નોકરીમાંથી કાઢ્યો, જાતિવાચક ગાળો અને ધમકી આપી

    એન નારાયણ મૂર્તિની ઈન્ફોસિસના કો-ફાઉન્ડર એસકે ગોપાલકૃષ્ણન વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં તેમના સિવાય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (IISc)ના પૂર્વ ડિરેક્ટર બલરામ સહિત અન્ય 17 લોકો પણ આરોપી છે. ફરિયાદીનો દાવો છે કે, હનીટ્રેપના ખોટા કેસમાં ફસાવડાવીને તેને IIScની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આરોપ છે કે, તેને જાતિ આધારિત અપમાન અને ધમકીઓ આપવામાં આવી હતી.

    કર્ણાટકની સ્થાનિક કોર્ટના આદેશ પર બેંગ્લોરના સદાશિવ નગર પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદી દુર્ગપ્પા બોવી આદિવાસી સમુદાયમાંથી આવે છે. તેઓ સેન્ટર ફોર સસ્ટેનેબલ ટેકનોલોજી, IISc ખાતે ફેકલ્ટી મેમ્બર હતા. તેમનો દાવો છે કે, 2014માં હનીટ્રેપના ખોટા કેસમાં ફસાવીને તેમને નોકરીમાંથી કાઢવામાં આવ્યા હતા.

    તે સમયે એસ.કે.ગોપાલકૃષ્ણન આ સંસ્થાના ટ્રસ્ટી મંડળના સભ્ય હતા. તેઓ આઈટી ઈન્ડસ્ટ્રીઝમાં જાણીતું નામ છે. તેઓ 2011થી 2014 સુધી ઈન્ફોસિસના વાઇસ ચેરમેન અને 2007થી 2011 સુધી સીઈઓ-એમડી પણ હતા. 2011માં કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે પણ તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા.